નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શનકારીઓ પર અમેરિકાની નજર : મોદી સરકારને આપી આ સલાહ

0
85

6 દેશોએ પોતાના નાગરિકોને આ રાજ્યમાં ના જવાની આપી સલાહ

ભારતના નાગરીકતા સુધારણા કાયદાના વિરોધ પ્રદર્શન પર અમેરિકાની પણ પ્રતિક્રિયા આવી છે. અમેરિકાએ કહ્યું છે કે તે ભારતમાં નાગરીકતા સુધારણા કાયદાના વિરોધમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ હિંસાથી દૂર રહેવું જોઇએ. અધિકારીઓએ પણ લોકોના શાંતિપૂર્વક પ્રદર્શનના અધિકારની રક્ષા અને સન્માન કરવું જોઇએ. કાયદા મુજબ ધાર્મિક સ્વતંત્રતા અને સમાન વ્યવહારનું સન્માન અમેરિકા અને ભારત બંનેના મૌલિક સિદ્ધાંત રહ્યા છે. અમેરિકાએ અપીલ કરી કે ભારત બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોના આધારે લઘુમતિઓના અધિકારોની રક્ષા કરે.

ઉલ્લેખનીય છે કે કેટલાય દિવસોથી નાગરિકતા સંશોધન કાયદા પર હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ ઘટનાને પગલે ભારતની છબી વિશ્વમાં ખરડાઈ રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં થઈ રહેલું પ્રદર્શન દિલ્હી થઈને હવે યુપીમાં પ્રસર્યું છે.

ઓસ્ટ્રેલિયાએ દેશના નાગરિકો માટે એક ચેતવણી જાહેર કરી છે કે ભારતની યાત્રા દરમિયાન અત્યંત સાવધાની રાખે કારણ કે ત્યાં હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. આ ઉપરાંત, વિદેશ વિભાગ અને વેપાર વિભાગ તરફથી જાહેર થયેલા નિર્દેશો માનવાની ઓસ્ટ્રેલિયાએ સલાહ આપી છે.

અમેરિકા, બ્રિટન, સિંગાપુર, કેનેડા અને ઇઝરાયેલે પોતાના નાગરિકોને હાલમાં આ સ્થિતિમાં પૂર્વોત્તરના રાજ્યોની મુલાકાત ન કરવા માટે ચેતવણી આપી છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, અસમ, મેઘાલય, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, બંગાળ, તેલંગણા અને દિલ્હી એનસીઆરમાં હાલમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ સમયે આતંકવાદી હુમલો થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમયે વિદેશીઓ અને પ્રસિદ્ધ પર્યટન સ્થળોને નિશાન બનાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here