માં ઉમિયાનું તેડું : આવતીકાલથી ઊંઝામાં ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ લક્ષચંડી મહાયજ્ઞ : પાટીદારોમાં થનગનાટ

0
69

મા ઉમિયાના દર્શન માટે ‘ઉમિયા નગર’માં ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ

અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા

મા ઉમિયાના ધામમાં યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં જોડાવા માટે ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા પાટીદારો આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા થનગની રહ્યા છે. આ મહોત્સવ માટે ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ જેવું આયોજન કરવામાં આવેલ છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ‘ઉમિયા નગર’ ખાતે પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આવતીકાલે તા. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજવામાં આવેલ છે. ગુજરાત, ભારત સહિત સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિની સ્થાપનાના ઉમદા આશય સાથે આ ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

નામી-અનામી લાખો લોકોનું મહેરામણ ઉમટશે

‘ઉમિયા નગર’માં 5 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમમાં દેશવિદેશથી લગભગ લાખો લોકો જોડાશે તેવી શક્યતા છે. વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહેલા આ લક્ષ ચંડી મહાયજ્ઞમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે, તેવી શક્યતા સેવાઇ રહી છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન રાજ્ય અને દેશના અનેક નામી લોકો તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

મંત્રોચ્ચાર થકી અલૌકિક વાતાવરણ સર્જાશે

લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે જગદગુરુ શંકરાચાર્યજીના હસ્તે ધર્મસભાની સ્થાપના કરવામાં આવશે. આ મહાયજ્ઞમાં કુલ 1100 દૈનિક પાટલા યજમાન રહેશે અને 108 યજ્ઞકુંડ રાખવામાં આવ્યા છે. યજ્ઞની શરૂઆતમાં ઉમિયાની દિવ્ય જયોતની સાક્ષીએ ઉમિયા બાગ ખાતે અવિરત ૧૬ દિવસ સુધી ૧૧૦૦ જેટલા પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતિના ૭૦૦ શ્લોકોથી એક લાખ ચંડીપાઠના દશમાં ભાગના દસ હજાર પાઠની શાસ્ત્રોક્ત વિધિથી આહુતિ આપવાની છે. ૨૪ વીઘા જમીનમાં કુલ ૫૧ શકિતપીઠના પ્રતિક મંદિર સાથે ૮૧ ફુટ ઉઁચાઇની યજ્ઞશાળા નીચે ૩૫૦૦ વ્યકિતઓ સાથે બેસી શકે એટલા વિશાળ યજ્ઞમંડપમાં ૭૫૦૦૦ કિલો કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી, ૧૫ મેટ્રિક ટન અડાયા (છાણા), હજારો કિલો તલ, ડાંગર અને વિવિધ દિવ્ય દ્રવ્યો અને ઔષધિઓની યજ્ઞમાં હોમાનાર પવિત્ર આહુતિ સાથે ચંડીપાઠના સતત ઉચ્ચારણ અને વૈદિક મંત્રોચ્ચારથી ઐતિહાસિક અને અભૂતપૂર્વ દૈદિપ્યમાન વાતાવરણ સર્જાશે.

મહાયજ્ઞ માટે ઉછામણીમાં ભામાશાઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન

ઉલ્લેખનીય છે કે “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન”ના પ્લેટિનમ ટ્રસ્ટી અને કોર કમિટીના સક્રિય સભ્ય તેમજ મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગ સનહાર્ટ ગ્રુપ પરિવારના મોભી ગોવિંદભાઈ વરમોરા દ્વારા ઊંઝા લક્ષ્યચંડી મહાયજ્ઞ માટે ઉછામણીમાં રૂ. 4,25,55,551ની બોલી બોલવામાં આવી હતી. જેથી, તેઓ આ યજ્ઞના મુખ્ય યજમાન બન્યા છે. આ લક્ષચંડી મહાયજ્ઞને સફળ બનાવવા અને તે નિમિતે ઉંઝાના ઉમિયાબાગ ખાતે યોજાયેલા ભવ્ય ઉછામણી કાર્યક્રમમાં દાનવીર દાતાઓ અને ભામાશાઓએ લાખો-કરોડો રૂપિયાની ઉછામણી બોલી માં ઉમિયા પરત્વેનો તેમનો પ્રેમ, શ્રધ્ધા અને સામાજિક કર્તવ્યનો ગૌરવવંતો પરિચય કરાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here