સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર સી.આર. ગરૂડાએ શરૂ કરી એક નવી પહેલ

0
80

સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર તરીકે સી. આર. ગરુડાસાહેબે આજે એક અત્યંત મહત્ત્વની પ્રથા શરૂ કરી છે. આ પ્રથાનું જો સજ્જડ પાલન થશે તો પર્યાવરણના ક્ષેત્રમાં ઘણું મોટું કામ થશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેમણે તેમની સાથે કામ કરતા અધિકારીઓને એક એક છોડ આપ્યો હતો. એ છોડના કૂંડા પર તેમણે એ અધિકારીઓના નામ પણ લખાવ્યા હતા અને એ તમામ અધિકારીઓને આહ્વાન કર્યું હતું કે એ અધિકારોની સાથે કામ કરતા બીજા અઢીસો જેટલા કર્મચારીઓને પણ તેમના નામ સાથેનો એક એક છોડ આપવામાં આવે.

એક સિનિયર ઑફિસર તરીકે તેમણે એ અધિકારીઓ અને કર્મચારીઓને અપીલ પણ કરી છે કે દરેક અધિકારી અને કર્મચારીએ પોતાના છોડનું ધ્યાન રાખવું અને અનિવાર્ય સંજોગોમાં પોતાનો છોડ મરી જાય તો એ કૂંડામાં બીજો છોડ રોપવો! આ વાત માત્ર અહીં પૂરી થઈ જતી નથી. આ આખીય પ્રથાનું યુનિક ફેક્ટર એ છે કે રેલવેમાં કર્મચારીઓની બદલી થતી રહેતી હોય છે, તો જ્યારે કોઈક કર્મચારીની સુરત સ્ટેશનથી બદલી થાય છે અને તેની જગ્યાએ કોઈ બીજા શહેરના અધિકારી કે કર્મચારી આવે છે તો જૂના કર્મચારીએ રેલવેના પોતાના ઑફિસિયલ ચાર્જની સાથે પેલા છોડનો પણ ચાર્જ આપી જવો અને નવા આવેલા કર્મચારીને એ છોડનું જતન કરવા ખાસ સૂચનાઓ આપી જવી!

ગરૂડાસાહેબની અંડરમાં કામ કરતા સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ આ આઈડિયા અત્યંત હર્ષથી વધાવી લીધો છે અને તેમણે ગરૂડાસાહેબને વચન આપ્યું છે કે તેઓ પોતાના છોડનું દિલથી જતન કરશે.

પોતે શરૂ કરેલી આ પ્રથાથી સી. આર ગરૂડાએ પર્યાવરણ અને કર્મચારીઓના શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે એક મહત્ત્વનું પગલું ભર્યું છે જે મોડેલને દરેક પ્રાઈવેટ અને સરકારી ઑફિસો માટે પણ પ્રેરણારૂપ થઈ પડ્યું છે. તેમના આ કાર્યક્રમ પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્કના સભ્યો અને ઈકોપ્રેન્યોર વિરલ દેસાઈ ખાસ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here