સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા કેસના આરોપીએ કરી અજીબોગરીબ દલીલ : જાણો આરોપીએ કરેલી અરજીની વિગતો

0
87

આરોપીની વિચિત્ર દલીલ : જ્યારે દિલ્હીમાં એર પોલ્યુશન કારણે જીવન પર ખતરો હોય ત્યારે મૃત્યુ દંડ કેમ!

વેદ અને ઉપનિષદોના ઉદાહરણ પણ આપ્યા : ન્યાયતંત્ર પર પણ સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી : મૃત્યુદંડ પર નિર્ભયા કેસના દોષીમાંના એક એવા અક્ષયે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં તેની સમીક્ષા અરજી દાખલ કરી હતી. ત્યારે અક્ષયે કોર્ટ સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે દિલ્હીમાં ખરાબ હવા અને પાણીને લીધે પણ તેમનું જીવન ટૂંકું થઈ રહ્યું હોય ત્યારે તેને મૃત્યુ દંડ કેમ આપવામાં આવે છે?

વકીલ એ. પી. સિંઘ દ્વારા દાખલ કરવામાં આવેલી અક્ષયની અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પર્યાવરણીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તે મૃત્યુને પાત્ર નથી.

અક્ષયે કહ્યું કે દિલ્હી-એનસીઆર અને મેટ્રો શહેરની હવાની ગુણવત્તા ગેસ ચેમ્બર જેવી છે. એટલું જ નહીં દિલ્હી-એનસીઆરનું પાણી પણ ઝેરથી ભરેલું છે. આ હકીકત ભારત સરકારના અહેવાલે સાબિત કરી છે. સંસદમાં રજૂ થયેલી તેની અરજીમાં તેને વધુમાં ઉમેર્યું છે કે હવા અને પાણીને લઈને દિલ્હી-એનસીઆરમાં શું થઈ રહ્યું છે. તેનાથી દરેક નાગરિક માહિતગાર છે. દિલ્હીમાં જીવન ટૂંકું થઈ રહ્યું છે. તો પછી તેને મૃત્યુદંડ કેમ?

તેને એમ પણ કહ્યું કે આપણા વેદ, પુરાણો, ઉપનિષદમાં ઉલ્લેખ છે કે સત્ય યુગમાં લોકો હજારો વર્ષો સુધી જીવતા હતા. ત્રેતાયુગમાં એક માણસ હજારો વર્ષો સુધી જીવતો હતો. પણ હવે તો કલયુગ છે. આ યુગમાં માનવીની ઉંમર ઘણી ઓછી થઈ ગઈ છે. હવે તે ઘટીને 50 થી 60 વર્ષ સુધી થઈ ગઈ છે. પિટિશનમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે 80-90 વર્ષ હોય તો બહુ ઓછા લોકો આ વય સુધી પહોંચે છે.

આ ઉપરાંત, દોષીએ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ જીવનની તીવ્ર વાસ્તવિકતાઓનો સામનો કરે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, તો પછી તે કોઈ મૃત માણસ જેવો જ બની જાય છે. અક્ષયે કરેલી અરજીમાં તેને વધુમાં કહ્યું છે કે શ્રીમંતોને ભાગ્યે જ ફાંસીની સજા આપવામાં આવે છે. જ્યારે ન્યાયતંત્ર એક સમાન ધોરણો લાગુ કરી શકતું નથી, ત્યારે તેને કોઈને મૃત્યુ દંડ આપવાનો અધિકાર નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશનમાં ચાર દોષિતોમાંથી અક્ષય છેલ્લો છે. ટોચની અદાલતે જુલાઈ 2018માં મુકેશ, વિનય અને પવનની અન્ય ત્રણ દોષિતોની સમીક્ષા અરજીને હાંકી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે તેના મે 2017ના ચુકાદા પર પુનર્વિચારણા કરવા માટે કોઈ કારણ નથી. તેઓ તેમના આ ગુના માટે કોઈ દયાને પાત્ર નથી. આ વાત નોંધ્યા પછી ચારેયને વધુમાં વધુ સજાની માંગણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here