રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે જાણીએ તેમના નિવાસ સ્થાન ‘કબા ગાંધીનો ડેલો’

0
80

વૈષ્ણવજન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે……..!

આપણા સૌના પ્રિય બાપુનાં અતિ પ્રિય નરસિંહ મહેતાના આ ભજનના સ્વરો હજુ પણ આ જગ્યાએ ગુંજતા હોય તેવું અનુભવાય જ્યારે આપણે ગાંધીજીના ઘર ‘કબા ગાંધીનો ડેલો’માં પગ મૂકીએ. ‘કબા ગાંધીનો ડેલો’ દેશની આઝાદીના સમયનો સાક્ષી છે. તેથી, ઐતિહાસિક સ્થળ તરીકે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

રાજકોટના પરાબજાર (કડીયાનવ લાઇન) ખાતે ‘કબા ગાંધીનો ડેલો’ જોવા હજુ ગાંધી પ્રેમીઓની કતાર લાગે છે. દેશના ‘રાષ્ટ્રપિતા’ અને વિશ્વભરમાં ‘મહાત્મા’નું બિરુદ પામેલા મોહનદાસ ગાંધીનું બાળપણનું નિવાસ સ્થાન એટલે ‘કબા ગાંધીનો ડેલો’. ગાંધીજીનો જન્મ ૨,ઓક્ટોબર,૧૮૬૯માં પોરબંદરમાં થયો હતો. ત્યારબાદ ગાંધીજીનો પરીવાર ૧૮૭૬માં પોરબંદરથી રાજકોટ સ્થાયી થયો હતો. રાજાશાહીનાં વખતમાં રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું. ત્યારે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી દીવાન તરીકે ફરજ બજાવતા હતાં. તે સમયે 1880-’81માં ગાંધી પરીવારના રહેણાક મકાનનું નિર્માણ થયું હતું. ગાંધીજીએ શરૂઆતનો અભ્યાસ જન્મભૂમિ પોરબંદરમાં પૂર્ણ કર્યા બાદ આગળનો અભ્યાસ રાજકોટમાં વસવાટ કરીને કર્યો હતો.

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીના નામ પરથી આ મકાનનું નામ ‘કબા ગાંધીનો ડેલો’ રાખવામાં આવ્યું છે. ગાંધીજીએ તેમનાં કિશોરાવસ્થા દરમિયાનનાં થોડા વર્ષો (આશરે 1881થી 1887 સુધી) અહીં પસાર કર્યા હતાં. 19મી સદીના અંત ભાગમાં બનાવેલા આ મકાનનું પ્રવેશદ્વાર, વિશાળ ફળિયું, કોતરણી વગેરે રજવાડી બાંધકામનું ઉત્તમ દ્રષ્ટાંત પુરુ પાડે છે.

મકાનની અંદર જતા ગાંધીજી જે ચીજ-વસ્તુનો ઉપયોગ કરતા હતાં તે વિવિધ વસ્તુઓ અને ગાંધીજીએ સ્વહસ્તાક્ષરમાં લખેલા સુવાક્યોની ફ્રેમ જોવા મળે છે. તેમજ ગાંધીજીના પોતાના ફોટોગ્રાફ્સ અને સમગ્ર જીવનકાળ દરમિયાન બનેલા મહત્ત્વના પ્રસંગોનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. જે ગાંધીજીની યાદ તાજી કરે છે. ગાંધીજી પર ખૂબ સાહિત્ય રચાયું છે, અનેક ફિલ્મો બની છે, ઊંચી પ્રતિમાઓ બની છે, સરકારી ઓફિસોમાં ફોટોગ્રાફ્સ જોવા મળે છે, રસ્તાઓને નામ આપવામા આવ્યાં છે, અરે! દરેકનાં ખિસ્સામાંથી પણ ગાંધીજીનું ચિત્ર મળી આવશે. પરંતુ ગાંધીજીનાં પેઇન્ટિંગ્સ ખૂબ ઓછાં જોવા મળશે. એટલે ‘કબા ગાંધીનો ડેલો’માં જોવા લાયક ખાસ વસ્તુ રંગીન પેઇન્ટિંગ્સ છે. જેમાં ગાંધીજીને ટ્રેનમાંથી ટિકિટ હોવાં છતા રંગભેદનાં કારણે ઉતારી દેવામાં આવ્યાં હતાં તે ઘટના, સવિનય કાનૂનભંગની લડત માટેની દાંડીકૂચ, અંગ્રેજો સાથેની મુલાકાતો સહિતની અનેક ઘટનાઓ આવરી લેતા વિવિધતાસભર પેઇન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યાં છે. આમ, ‘કબા ગાંધીનો ડેલો’માં રાખવામાં આવેલુ પ્રદર્શન દેશ-વિદેશના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ ગાંધી સાહિત્યના અભ્યાસુ અને ગાંધીવાદી લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ આપવામા સવિષેશ યોગદાન આપનાર અને દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચિંધનાર મહાત્મા ગાંધીના રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ને ગુજરાત સરકારે ‘ગાંધી સ્મૃતિ ભવન’ તરીકે વિકસાવેલ છે. જેનું ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જયાં સવારે 9થી 12 અને સાંજે 3થી 5 મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામા આવે છે. ઉલ્લેખનીય છે કે ગાંધી જયંતિ દિન, ગાંધી નિર્વાણ દિન જેવા ખાસ દિવસોએ અહીં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ‘કબા ગાંધીનો ડેલો’ રાજકોટવાસીઓ માટે તો ગર્વની વાત છે. તેથી, રાજકોટવાસીઓએ તો જોયેલો જ હશે પણ રાજકોટ ફરવા આવેલા લોકો માટે મહાન વિભૂતિ ગાંધીજીનું ઘર ‘કબા ગાંધીનો ડેલો’ની મુલાકાતનો મોકો ચુકવા જેવો નથી!

– માર્ગી મહેતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here