21 કલાક સુધી ૨ કરોડ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ પણ રઘુવીર માર્કેટમાં આગ ન હોલવાઈ! કારણકે…

0
305

મંગળવારે મધ્યરાત્રીએ સુરતની રઘુવીર માર્કેટ બિલ્ડિંગમાં લાગેલી વિકરાળ આગ પર ફાયર બ્રિગેડની લાભાગ ૭૦ ગાડીઓ અને ૫૦૦ કર્મચારી દ્વારા સતત ૨૧ કલાક સુધી પાણીનો મારો ચલાવાય બાદ પણ આગ પાર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નહોતો અને આગ પર માંડ કાબુ મેળવ્યા બાદ હવે ઘટનાના બીજા જ દિવસે એટલે કે આજે ફરી વાર રઘુવીર માર્કેટમાં આગ લાગી છે. મળતી વિગતો મુજબ આજે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બિલ્ડિંગમાં કુલિંગ પ્રોસેસ કરવામાં આવી રહી હતી એ દરમિયાન ફરી આગ ભભૂકી ઉઠ્ઠા ફાયરના જવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આગ કાબુમાં કેમ ન આવી? : તમને ઉપરના આંકડાઓ જાણીને ચોક્કસ આશ્ચર્ય થયું હશે કે ફાયર બ્રિગેડની ૭૦ જેટલી ગાળ્યો અને ૫૦૦ કર્મચારીઓ દ્વારા સતત ૨૧ કલાક સુધી આશરે ૨ કરોડ લીટર પાણીનો મારો ચલાવવામાં આવે છતાં પણ આગ કાબુમાં કેમ ન આવે? તો એ સવાલનો જવાબ પણ મળી ગયો છે. રઘુવીર બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોઈએ તો બિલ્ડરે બિલ્ડિંગના બ્યુટીફીકેશન (આકર્ષક ઉઠાવ) માટે અને બિલ્ડિંગમાં બહારથી પાણીં આવે એ માટે બિલ્ડિંગની બહારના ભાગે એલ્યુમિનિયમ અને એક્રેલિકના એલીવેશન લગાવીને પુરી બિલ્ડીંગ વોટરપ્રુફ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવતા હતા એ પાણી બિલ્ડિંગની અંદર જઈ શકતું નહતું અને આગ વધતી જતી હતી.

raghuvir-market-surat-ekhabar
રઘુવીર માર્કેટનું વોટરપ્રુફ બિલ્ડીંગ

આમ આ વૉટરપ્રૂફ બિલ્ડિંગમાં બહારથી પાણી ના આવે એ માટે એલ્યુમિનિયમ એલિવેશન લગાવાયા હતા અને તેની પાછળ સિમેન્ટની દીવાલ પણ હતી. એટલે ફાયર ફાઇટરો 100 લિટર પાણી નાંખે ત્યારે અંદર માંડ 10 લિટર પાણી જતું હતું તેથી આગ પાર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને વધારે મુશેક્લીઓનો સામનો કરવો પડ્યો હતો અને આગ પાર કાબુ મેળવતા ૨૪ કલાક જેટલો સમય વીતી ગયો હતો.

ફરી આગ: રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગેલી આગ 29 કલાક થવા છતાં હજુ પણ કાબુમાં આવી નથી. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રહી રહીને પણ માર્કેટમાં આગ લાગી રહી છે. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું : આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટીને લઈને ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાન્ત સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (SUDA ) ના ચેરમેન બંછાનીધી પાણીએ આ મામલે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાયરિંગને લઈને બિલ્ડિંગને નોટિસ ફટકારાઈ હતી. આમ છતાં, ફાયર સેફ્ટી માટે કોઈ પગલાં ના લેવાયા. એટલું જ નહીં, ત્યાં ગેરકાયદે રીતે લાકડાની સીડીઓ પણ બનાવાઈ હતી જેથી આગ લાગ્યા બાદ તે તુરંક કાબુમાં આવી શકી નહોતી.

જીવના જોખમે કામગીરી : ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગના લપકારાના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંદાજે હજુ સાંજ સુધી ચાલશે.

સાચું કોણ? : દુર્ઘટના બાદ રઘુવીર માર્કેટના બિલ્ડર્સ ચંદુ કોરાટ ભૂર્ગભમાં જતા રહ્યા છે અને ચોંકાવનારી બાબત એ છે કે ડીજીવીસીએલ, મહાનગર પાલિકાના આ મામલે તદ્દન વિરુદ્ધ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. ડીજીવીસીએલ કહે છે કે રાત્રે જ પાવર સપ્લાય બંધ કરી દેવાયું હતું જ્યારે પાલિકા કહે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે, જ્યારે રાહદારીઓ કહી રહ્યા છે કે બિલ્ડિંગની લાઇટ રાત્રે પણ ચાલુ હતી.

એટલે લગભગ નક્કી છે કે હવે તક્ષશિલા અગ્નિકાંડની જેમ જ આ વખતે પણ સ્થાનિક તંત્ર અને વીજળી વિભાગ વચ્ચે એકબીજા પર આરોપો લગાવવાની હોડ જામશે, ડીજીવીસીએલ દવારા તપાસના આદેશ અપાશે, સુરત પાલિકા દ્વારા ફાયર સેફટી મામલે થોડો સમય ચેકીંગ અને કડક વલણ અપનાકવવામાં આવશે અને થોડા સમય બ આડ ફરી હતું એનું એ જ, ફરી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે ત્યાં સુધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here