કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે જાહેરાત કરી છે કે બંગાળમાં 7 નવા જિલ્લા બનશે. બંગાળમાં આ પહેલાં 2૩ જિલ્લા હતા હવે બંગાળમાં 30 જિલ્લા થશે. આ નવા જિલ્લાઓમાં સુંદરબન, ઈછેમતી, રાણાઘાટ, વિષ્ણુપુર, જંગીપુર, બેહરામપુર અને બશીરહાટનો સમાવેશ થાય છે. બંગાળમાં નવા જિલ્લાની જાહેરાત સાથે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં નવા જિલ્લાઓની સાથે સાથે પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને નવા જિલ્લા અને નવી નિમણૂકોની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ રાજ્યમાં 7 નવા જિલ્લા અને મંત્રીમંડળના વિસ્તરણની જાણકારી પણ આપી હતી.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસની પ્રધાનમંડળ વિસ્તરણની યોજના પણ છે અને 4થી 5 નવા ચહેરા આ પ્રધાનમંડળમાં સામેલ થઈ શકે છે. હાલમાં રાજ્યમાં કેટલાય વિભાગ પ્રધાનો વિના જ કામ કરે છે. હું બધી જવાબદારી નિભાવી શકું નહીં. મમતા બેનર્જીએ સાથે સાથે એ પણ જણાવ્યું કે સમગ્ર મંત્રાલયને ભંગ કરીને એક નવા મંડળની યોજના નથી. સુબ્રત મુખર્જી, સાધન પાંડે હાલમાં જોડાયેલા નથી. પાર્થ જેલમાં છે. એટલા માટે તેમનું સંપૂર્ણ કામ સંભાળવાનું થાય છે. નવા ચહેરાઓને હવે જવાબદારી સોંપવાનો નિર્ણય લેવો પડશે.
મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, 4થી 5 મંત્રીઓને જવાબદારી સોંપી શકાય તેમ છે. 3-4 નવા લોકોને કામ સોંપાશે. આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યું કે કેબિનેટમાં ટૂંક સમયમાં પરિવર્તન કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં મમતા બેનર્જીએ કહ્યું કે કેબિનેટમાં બહુ મોટો ફેરફાર કરવાનો નહીં આવે, નાનું એવું પરિવર્તન આવશે.
ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર પણ આજે જાહેરાત કરવામાં આવી હતી કે, માનનીય અધ્યક્ષા શ્રીમતીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેટલીક નવી નિમણૂકો.
The All India Trinamool Congress under the inspiration and guidance of Hon’ble Chairperson Smt. @MamataOfficial is pleased to announce a few new appointments of District Chairman & District President for West Bengal Trinamool Congress. pic.twitter.com/FhpPUflCY3
— All India Trinamool Congress (@AITCofficial) August 1, 2022
આ સાથે આ ટ્વીટ થયું હતું કે, પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસ માટે નવા જિલ્લા અધ્યક્ષની નવી નિમણૂકોની જાહેરાત કરીને આનંદ થાય છે. આ સાથે 30 જિલ્લાના અધ્યક્ષોનું લિસ્ટ પણ ટ્વીટર પર મૂકવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીને સણસણતો સવાલ કર્યો હતો કે, કથિત સ્કૂલ નોકરી કૌભાંડ અંતર્ગત ઈડી દ્વારા ધરપકડ થયા હોવા છતાં પણ મુખ્યમંત્રીએ પાર્થ ચટર્જીને મંત્રી તરીકે બરતરફ કર્યાં નથી આ નિર્ણય યોગ્ય છે? રાજભવનમાં રાજ્યપાલ સાથે મળીને પાર્થ ચટર્જીને મંત્રી પદેથી હટાવાની માગ પણ થઈ હતી.