Homeફિચર્સવિષમ સંજોગો, આકરા સંઘર્ષો, સામા પ્રવાહો અને દ્રૌપદી મુર્મૂ

વિષમ સંજોગો, આકરા સંઘર્ષો, સામા પ્રવાહો અને દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ જેવી વિભૂતિ બાજ જેવી હોય છે. તેઓ પરિસ્થિતિનાં રોદણાં નથી રડતી. નબળી આર્થિક પરિસ્થિતિનો સગવડિયો કટોરો આગળ કરીને સહાનુભૂતિની ભીખ નથી માગતી. મહેનત ન કરવાની બદદાનતને ઢાંકવા માટે દોષનો ટોપલો આસપાસના સામાજિક ઢાંચા પર ઢોળીને ‘અન્યાય...અન્યાય’ની કાગારોળ નથી કરતી. આ લોકો સંજોગો સામે લડે છે. સામા પ્રવાહ સામે રણટંકાર કરે છે. જિંદગીની તમામ પીડાઓ ખંખેરીને આગળ ઉડાન ભરે છે.

वृक्ष हों भले खड़े,
हों घने हों बड़े,
एक पत्र छाँह भी,
माँग मत, माँग मत, माँग मत,
अग्निपथ अग्निपथ अग्निपथ।

तू न थकेगा कभी,
तू न रुकेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ, कर शपथ, कर शपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।

यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु स्वेद रक्त से,
लथपथ लथपथ लथपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।

જીવનપથના જટિલ ઝંઝાવાતો સામે લડીને હાંફી ગયેલા માણસની નસોમાં પરિભ્રમણ કરતા રક્તમાં ગરમાહટ લાવી દેતી ડૉ. હરિવંશરાય બચ્ચનની આ ધારદાર રચનાને ડો.બાબાસાહેબ આંબેડકરથી લઈને ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અને અબ્રાહમ લિન્કનથી લઈને નેલ્સન મંડેલા સુધીની વિભૂતિઓએ આત્મસાત કરી છે. સામાન્ય પૃષ્ઠભૂમિના વિષમ સંજોગોને પડકારીને આવડત અને ખંતથી સર્વોચ્ય સિંહાસન પર આરુઢ થનારા મહાનુભાવોની પંગતમાં હવે એક નામ જોડાયું છે: દ્રૌપદી મુર્મૂનું.  

પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ તરીકેનું બહુમાન મેળવનાર દ્રૌપદી મુર્મૂનું નામ હવે ઇતિહાસમાં કોતરાઈ ગયું છે. ઇતિહાસમાં કોતરાઈ ગયેલાં નામો હંમેશાં સુંદર લાગવાનાં. સામાજિક-આર્થિક પરિપ્રેક્ષ્ય, બાહ્ય દેખાવ-આ બધાં જ પરિબળો ગૌણ બની જતાં હોય છે. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યૂટીફુલ!

પણ મૂળ વાત એ છે કે સક્સેસ થવું સહેલું નથી. એના માટે સંઘર્ષના આકરા તાપમાં તપવું પડતું હોય છે. સંઘર્ષ એ દરેકના જીવનમાં વિધાતાએ લખેલું પ્રકરણ છે. દ્રૌપદી મુર્મૂના જીવનમાં પણ સંઘર્ષનો તબક્કો આવ્યો. ઓડિશાના મયૂરભંજ જિલ્લાના ઉપરબેડા જેવા સાવ નાના અંતરિયાળ ગામમાં 20 જૂન, 1958ના રોજ દ્રૌપદી મુર્મૂનો જન્મ. એક આદિવાસી પરિવારમાં. પિતા બિરંચી નારાયણ ટુડ઼ુ પરંપરા પ્રમાણે ગામ અને સમાજના મુખી. ગામ ઘણું નાનું હતું, અભ્યાસ માટે ખાસ વ્યવ્સ્થા ન હતી. પરિવાર ઘણો ગરીબ હતો, દ્રૌપદી જે સમાજમાંથી આવતાં હતાં એ આદિવાસી સમાજ પણ સમાજની મુખ્યધારાથી અલિપ્ત હતો પણ દ્રૌપદીના અરમાનો આસમાનને આંબવા મથતા હતા. શિક્ષણના શસ્ત્રથી સફળતાનાં મેદાનો ફતેહ કરવાની મહત્ત્વાકાંક્ષા દ્રૌપદીની મુગ્ધ આંખમાં સળવળતી હતી.

મુર્મૂએ પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધું. પ્રાથમિકમાં સાતમા ધોરણમાં હતાં ત્યારે ગામમાં એકવાર કેટલાક ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મિનિસ્ટર્સ આવ્યા. પિતા તો લઘુતાગ્રંથિના કારણે ન મળ્યા પણ ભણવાની હોંશવાળાં દ્રૌપદી અધિકારીગણને મળવા પહોંચી ગયાં અને પોતાની શાળાકીય શિક્ષણની સિદ્ધિઓનાં પ્રમાણપત્રો બતાવ્યાં. દ્રૌપદીનો આત્મવિશ્વાસ-પ્રતિભા જોઈને પ્રભાવિત થયેલા અધિકારીઓએ દ્રૌપદીને ભુવનેશ્વરમાં સરકારી ખર્ચે આગળ અભ્યાસની વ્યવસ્થા પૂરી પાડી.

વર્ષ 1969થી 1973 સુધી તેઓ આદિવાસી આવાસીય વિદ્યાલયમાં ભણ્યાં. આ પછી સ્નાતકની ડિગ્રી માટે ભુવનેશ્વરના રામાદેવી મહિલા મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. સ્નાતકની ડિગ્રી મેળવી. કૉલેજમાં અભ્યાસ દરમિયાન દ્રૌપદીની મુલાકાત થઈ શ્યામચરણ મુર્મૂ સાથે. મુલાકાતો વધી. મુલાકાત મિત્રતામાં અને મિત્રતા પછી પ્રેમમાં પલટાઈ.

આ વાત છે 1980ની. દ્રૌપદી અને શ્યામચરણ જીવનસંસાર માંડવાનાં શમણાં સજાવવા માંડ્યાં. શ્યામચરણ તો પોતાના કાકા અને નજીકના વડીલ સંબંધીઓને લઈને વિવાહનો પ્રસ્તાવ લઈને પહોંચી ગયા દ્રૌપદી મુર્મૂના ઘરે. દ્રૌપદીના પિતા આ સંબંધથી નાખુશ હતા. મનાઈ કરી દીધી. શ્યામચરણ હાર માને એમ નહોતા. એમણે તો ત્રણ દિવસ ગામમાં જ ડેરો નાખી દીધો. આખરે કંટાળીને દ્રૌપદીના પિતાએ હા ભણી. બંનેનાં લગ્ન થયાં. રિવાજ મુજબ શ્યામચરણના પરિવારમાંથી દ્રૌપદીને એક ગાય, એક બળદ અને 16 જોડી કપડાં દહેજમાં આપવામાં આવ્યાં.

ઓડિશા સરકારમાં પાંચ વર્ષ સુધી ક્લાર્કની નોકરીથી શ્રીમતી મુર્મૂએ પોતાના કરિઅરની શરૂઆત કરી. આ પછી તેઓ રાયરંગપુરના અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી. અત્યાર સુધી રાજનીતિ સાથે દ્રૌપદીને કોઈ સંબંધ ન હતો. વર્ષ 1997માં દ્રૌપદી ભાજપનાં સભ્ય બન્યાં અને પોતાના રાજનૈતિક જીવનનાં શ્રીગણેશ કર્યાં. રાયરંગપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવીને કાઉન્સિલર બન્યાં. દેશના સૌથી મોટા આદિવાસી સમૂહ ‘સંથાલ’ સાથે જોડાયેલાં શ્રીમતી મુર્મૂએ પોતાના કામથી જનતા વચ્ચે એક આગવી ઓળખ મેળવી. વર્ષ 2000માં ઓડિશાની રાયરંગપુર વિધાનસભાના સભ્ય બન્યાં. મુખ્યમંત્રી નવીન પટનાયકના મંત્રીમંડળમાં વાણિજ્યમંત્રી અને પછી મત્સ્ય-પશુપાલન મંત્રાલયનો કારભાર સંભાળ્યો. શ્રીમતી મુર્મૂ 2006માં ઓડિશા ભાજપની અનુસૂચિત જનજાતિ એકમનાં અધ્યક્ષ બન્યાં. વર્ષ 2009માં ફરીવાર રાયરંગપુર બેઠક પરથી વિધાનસભા સભ્ય…

પણ બધું સુખરૂપ હોય ત્યારે જ કશું અણધાર્યું બનતું હોય છે ને. જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ. વર્ષ 2009માં દ્રૌપદી મુર્મૂના મોટા દીકરા લક્ષ્મણ મુર્મૂનું નિધન થયું. આ પછી વર્ષ 2013માં નાના દીકરાએ જીવ ગુમાવ્યો અને અનંતની વાટ પકડી. હજુ આ બેવડા આઘાતમાંથી કળ ન વળી ત્યાં તો વર્ષ 2014માં એમના પતિ શ્યામચરણ મુર્મૂનું બે દીકરા ગુમાવ્યાની વેદનામાં હાર્ટએટેકથી દેહાંત થયું. દ્રૌપદી ભયંકર રીતે તૂટી ગયાં. વર્ષ 2009-2015 દ્રૌપદીના જીવનનો સૌથી કઠિન સમય હતો.

માનસિક રીતે ભાંગી નાખતા દુઃખ અને સંઘર્ષના સમયમાં અધ્યાત્મનો ખોળો હંમેશાં શાંતિ આપતો હોય છે. દ્રૌપદી બ્રહ્માકુમારીનાં શરણમાં આવ્યાં. અધ્યાત્મ- ધ્યાનની પરમશાંતિમાં દુઃખનાં ઝખમો ભરાવા માંડ્યાં. પીડાનો કણસાટ થોડો ઓછો થયો. મિત્રો, બાજ પક્ષીની ઉંમર 70 વર્ષ હોય છે. 40 વર્ષે બાજના જીવનમાં એક વળાંક આવે છે. ઉંમરના આ પડાવ પર એની ચાંચ વળીને શિકાર માટે અસમર્થ બની જાય છે. ઉડાનમાં તકલીફ પડે એમ પાંખો ભારે થઈ જાય છે. પગના નખ પણ વાંકા વળી જાય છે. બાજ પાસે મૃત્યુ જ આખરી વિકલ્પ હોય છે પણ બાજ મરતું નથી. લડે છે. બાજ પથરાળ પર્વતની ચટ્ટાન પર પહોંચી જાય છે. કાળમીંઢ પથ્થર પર પોતાની ચાંચ મારી-મારીને લોહીલુહાણ કરી નાખે છે. પગના નખને પણ આ જ રીતે પથ્થર પર ઘસડીને તોડી નાખે છે. અનંત પીડાની આ તપસ્યાના પરિણામરૂપે પ્રકૃતિમાતા બાજને ચાંચ અને નખ વરદાનરૂપે આપે છે. આ ચાંચ અને નખથી બાજ પોતાની જૂની પાંખોને પીંખીને શરીરથી અલગ કરી નાખે છે. છ મહિના પછી નવી પાંખો આવે છે અને બાજ પોતાની બાકીની જિંદગી શાનથી જીવે છે. દ્રૌપદી મુર્મૂ જેવી વિભૂતિ બાજ જેવી હોય છે. તેઓ પરિસ્થિતિનાં રોદણાં નથી રડતી. નબળી આર્થિક પરિસ્થિતિનો સગવડિયો કટોરો આગળ કરીને સહાનુભૂતિની ભીખ નથી માગતી. મહેનત ન કરવાની બદદાનતને ઢાંકવા માટે દોષનો ટોપલો આસપાસના સામાજિક ઢાંચા પર ઢોળીને ‘અન્યાય…અન્યાય’ની કાગારોળ નથી કરતી. આ લોકો સંજોગો સામે લડે છે. સામા પ્રવાહ સામે રણટંકાર કરે છે. જિંદગીની તમામ પીડાઓ ખંખેરીને આગળ ઉડાન ભરે છે. રમેશ પારેખ યાદ આવે- ‘મન તો થાય છે માની લઉં હાર, પણ મારી માએ ખાધેલી સવાશેર સૂંઠનું શું?

વર્ષ 2015માં દ્રૌપદી મુર્મૂ એક નવી ભૂમિકામાં આવ્યાં. ઝારખંડનાં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે એમની નિયુક્તિ થઈ. એ સમયે ઝારખંડમાં બીજેપીના રઘુબીરદાસની સરકાર હતી.

પરિવારના ગુજરાન માટે એક ક્લાર્કથી પોતાની જીવનયાત્રા શરૂ કરનારાં, સમાજની મુખ્યધારામાંથી કપાયેલા વર્ગમાંથી આવનારાં દ્રૌપદી મુર્મૂએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે પોતે એકવાર દેશના સર્વોચ્ય પદ પર આરુઢ થશે. જો ક્યાંક પહોંચવાની લગન અને ધગશ હોય અને આ લગની પાછળ સખત મહેનત બોલતી હોય તો પછી અનુપમ ખેર કહે છે તેમ ‘કુછ ભી હો સકતા હૈ’!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments