છેલ્લા બે મહિનામાં ગુજરાત એટીએસે 98 તમંચા અને દારૂગોળો જપ્ત કર્યો
- ગુજરાત એટીએસે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 45 આરોપીઓની કરી ધરપકડ
- ગેરકાયદે હથિયારો રાખતા લોકોના ઘેર દરોડા પાડ્યા
- એટીએસે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ છેલ્લા બે મહિનામાં 98 હેન્ડગન અને દારુગોળો જપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 45 આરોપીઓની ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ દર્શાવે છે કે સૌરાષ્ટ્રમાં ગુનાખોરીએ કેવી માઝા મૂકી રહી છે.
એટીએસની ટીમે ત્રીજી મેના રોજ અમદાવાદના ગીતા મંદિર માર્ગ પર ચાર હેન્ડગન સાથે સુરેન્દ્રનગરના વતની દેવેન્દ્ર બોલિયા ઉર્ફે ડેંડુ અને ચંપરાજ ખાચરની ધરપકડ કરી ત્યારે આ શસ્ત્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, આના પગલે ઉચ્ચ અધિકારીઓ ચોંકી ગયા હતા.
એટીએસના જણાવ્યા મુજબ કથિત માસ્ટર માઇન્ડ ડેંડુ અને ખાચરે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી આશરે 100 હેન્ડગન મંગાવી હતી અને તેને સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના જુદા-જુદા ગ્રાહકોને વેચી હતી.
આ પછી એટીએસે એક પછી એક કડીઓ મેળવતા સૌરાષ્ટ્રના શહેરો અને ગામડાઓમાં અનેક દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનિય છે કે ગત 13 તારીખ સુધીમાં એટીએસે 78 શસ્ત્રો પકડ્યા હતા અને આર્મ્સ એક્ટ હેઠળ 37ની ધરપકડ પણ કરી હતી.
એટીએસની ટીમોએ હેન્ડગનને ગેરકાયેદસર રીતે કબ્જાના રાખવાના કેસમાં લોકોના ઘરો પર દરોડા પાડ્યા હતા અને સોમવાર સુધી કુલ 98 હેન્ડ ગન જપ્ત કરી હતી. તેની સાથે આર્મ્સ એક્ટ હેઠળ આ કેસમાં 45 આરોપીઓની ધરપકડ કરી હતી.
98 શસ્ત્રોમાંથી 96 પિસ્તોલ છે જ્યારે બે દેશી બનાવટની હેન્ડગન (તમંચા) છે. સાથે 18 રાઉન્ડ દારુગોળો જપ્ત પણ કર્યો છે. એટીએસના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ડેંડુ અને ખાચર સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની પોલીસ પણ ભૂતકાળમાં ડેંડુ અને ખાચર પાસેથી ચાર તમંચા જપ્ત કરી ચૂકી છે.