રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા અને સંસદમાં મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ અલગ અલગ નિવેદન સામે આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારે આ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી લોકશાહીને પ્રોત્સાહન આપતી પ્રક્રિયા છે. આ ચૂંટણીમાં વ્હીપ આપવો યોગ્ય નથી, જેથી ધારાસભ્ય પોતાના મત મુજબ મતદાન કરી શકે.
શૈલેશ પરમારે વધુમાં જણાવ્યું કે, ભાજપમાં પાંચથી છ ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રી બનાવાયા નથી અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધારાસભ્યોને મંત્રી બનાવાઈ રહ્યા છે. આ કારણથી ભાજપમાં ક્રોસ વોટિંગ થવું સ્વાભાવિક છે.
બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિધાનસભા દંડકના ખંડમાં તમામ ધારાસભ્યોને એકત્રિત કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યોએ આ માટે ઉત્સાહ દર્શાવ્યો છે, અને ભાજપે પસંદ કરેલા દ્રૌપદી મુર્મૂને મત આપી રાષ્ટ્રપતિ બનાવવા માટે ભારે ઉત્સાહિત છે. આ સાથે પ્રધાનમંત્રી મોદી દ્વારા આગળ કરવામાં આવેલાં મૂળ ટ્રાઇબલ દ્રૌપદી મુર્મૂના અનુભવ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે દ્રૌપદી મુર્મૂ ખૂબ શિક્ષિત છે અને જાહેર જીવનમાં ખૂબ જ સક્રિય છે, તેનો ફાયદો દેશને જરૂર મળશે. તેમને ભાજપ ધારાસભ્યો અને સાંસદોના મત તો મળશે જ, સાથોસાથ વિપક્ષના સભ્યોના મત પણ તેમને મળશે.
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ નિવેદન આપતાં જણાવ્યું કે, વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા ભાજપની વિચારધારા ધરાવે છે, જેથી તેમના પર લાગણી રાખી ભાજપના સભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે. બાકી કોંગ્રેસના તમામ સભ્યો પાર્ટીની ગાઇડ લાઇનને અનુસરી યશવંત સિંહાને જ મત આપશે.