Homeગુજરાતગુજરાતમાં હજી ૩ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજી ૩ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. ગુજરાતમાં નદી નાળા છલકાયાં છે અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. 8 જિલ્લામાં રેડ અને ૧૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તંત્રએ જાહેર કર્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની સ્થિતિની જાણકારી મેળવી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે જાહેર કર્યું છે કે 12 જુલાઈએ અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 13મી જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને 14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદમાં ભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં લૉ પ્રેશરના કારણે ગુજરાતમાં હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

સોમવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પકડતાં રાજ્યમાં 245 ગામ – શહેરમાં ભારેથી અતિ વરસાદ થયો છે. 11મી જુલાઈના 24 કલાકમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 21 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ, સાગબારામાં 16 ઈંચ, કપરાડામાં 15 ઈંચ વરસાદ થયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે NDRF અને SDRFની કુલ 18-18 ટીમ ખડે પગે કામગીરી બજાવી રહી છે.

રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમ કાર્યરત છે. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ અનુસાર, આ ટીમો સત્વરે પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

વરસાદથી આશરે 64 લોકોનાં મોત

રાજ્યમાં વરસાદથી વીજળી પડવાને કારણે, તણાવાને કારણે અને અન્ય કારણોસર 63 લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે. 24 કલાકમાં 11 ઝૂંપડાં પણ બરબાદ થઈ ગયાં છે. કુલ 272 પશુનાં વરસાદથી મૃત્યુ થયાં છે તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોનાં મૃત્યુ તેમજ વીજપોલ પડી જતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી 468 નાગરિક ઘરે પરત ફર્યાં છે.

સૌરાષ્ટ્રના સર્વ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ

રાજકોટમાં એક જ દિવસમાં 9 ઈંચ વરસાદ થવાના કારણે જનજીવન ખોરવાયું છે. જાહેર રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તમામ સ્ટ્રીમની પરીક્ષાઓ રદ કરાઈ છે. પરીક્ષાની નવી તારીખ ફરી જાહેર કરાશે તેવી યુનિ. દ્વારા જાહેરાત કરાઈ છે. રાજકોટના આજી અને ન્યારી નદીમાં નવા નીરની આવક થઈ છે.

અમરેલી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન થંભી ગયું છે. અમરેલી આસપાસના વડેરા, નાના ભંડારીયા, માંગવાપાળ સહિતના ગામોમાં પાણી ભરાયાં છે. કુંકાવાવ, વડીયા વિસ્તારમાં પણ સારો વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી છે કે 12મી જુલાઈથી આગામી ત્રણ દિવસ સુધી અમરેલી જિલ્લામાં ભારે વરસાદ રહેશે. આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે.

બગસરા શહેરમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદને કારણે નંદી નાળા ચેક ડેમ છલકાયાં છે. બગસરામાં આવેલી સાતલડી નંદીમાં પુર આવ્યું છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીની  લહેર જોવા મળી હતી.

બોટાદ શહેરમાં 11 જુલાઈ દિવસભર વિરામ બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો. હાલમાં પડતા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. વેરાવળ – સોમનાથ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ૩ નંબરનું સિગ્નલ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના છે. જિલ્લામાં સતત વરસાદના કારણે તંત્ર એલર્ટ છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદ છે. ૧૧ જુલાઈ સાંજે 6 વાગ્યા સુધીમાં ઉના તાલુકામાં 2 ઈંચ વરસાદ થયો છે. ગીરગઢડા તાલુકામાં અને ગીર જંગલ ઉપરવાસમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાવલ ડેમ તથા મછુન્દ્રી ડેમમાં નવા નીરની આવક થઈ છે.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં ભારે ગરમી પછી 11 જુલાઈએ સાંજે સમયે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં દાંતીવાડામા 106 મિમી, પાલનપુરમા 78 મિમી, સુઈગામમાં 44 મિમી વરસાદ ખાબક્યો હતો. પાલનપુરમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પાલનપુર શહેરના કીર્તિસ્થંભ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. અહીં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પાડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં રોડ પરથી વરસાદી પાણીની નદીઓ વહેતી હોઈ એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં શામળાજીના વેણપુર પાસે નેશનલ હાઇવે 8 પર પાણી ભરાઈ ગયાં છે. નેશનલ હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં હાલાકી

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયો છે. દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારા અને નદી નજીકના વિસ્તારોમાં લોકોને ન જવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયાં છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ઔરંગા નદી દરિયા સાથે ભળી જતાં આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે.

ઔરંગા નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાતા રેસ્ક્યુ કરાયું છે.

વલસાડ – નવસારી નજીકના ગામોમાં વસતા 10700 લોકોનું સ્થળાંતર કરાયું છે. વલસાડ – વાપી નવસારી ડાંગની અંબિકા, પૂર્ણા નદીમાં પણ પૂરની સ્થિતિ છે. રાજપીપળા જિલ્લામાં ડેમમાં 9 દરવાજા ખોલતાં અને 2 લાખ ક્યુસેક પાણી છૂટતાં કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. દરમિયાન રાજપીપળામાં નદી કિનારે સેલ્ફી લેતાં યુવક-યુવતી પાણીમાં તણાયા છે. વલસાડના ધરમપૂરના બોપી ગામે 4 લોકો તણાઈ ગયાં છે અને એકનું રેસ્ક્યુ કરાયું છે. અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. કપરાડામાં છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 16 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વાંસદા તાલુકામાં આવેલ કેલિયા ડેમમાં પાણીની આવક વધી જતાં સતત વરસાદને પગલે આ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ડેમની હાલની સપાટી 110.60 મીટર ઉપર પહોંચી છે. ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતાં નીચાણના ગામોને એલર્ટ કરાયાં છે. કેલિયા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા 23 ગામના લોકોને ખરેરા નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે.

ચીખલી ગણદેવી ખેરગામ અને વાંસદા તાલુકાના 23 ગામોને એલર્ટ કરાયાં છે. ચીખલી તાલુકાના 17 ગામો કાકડવેલ, માંડવખડક,વેલણપુર, ગોડથલ, કનભઈ, સિયાદા, મોગરાવાડી,આમધરા,ઘેજ, મલિયાધારા, સોલધરા, પીપલગભણ,ધોલાર, કલિયારી, બલવાડા, તેજલાવને એલર્ટ કરાયાં છે. ગણદેવી તાલુકાના 5 ગામો ઊંડાચ, ગોયંડી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરાને એલર્ટ કરાયાં છે.

મધ્ય ગુજરાત પાણી પાણી

અમદાવાદ શહેરમાં 10મી જુલાઈએ મૂશળધાર વરસાદથી જનજીવન ખોરવાયા પછી તંત્ર એલર્ટ થઈ ગયું હતું. જોકે 11 જુલાઈએ અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. અમદાવાદ આસપાસના ધોળકામાં ભારે વરસાદ ખાબક્યો છે.

અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ અને અગાહીને જોતાં શહેરના તમામ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગૌરી વ્રતના કારણે ભીડ વધવાની સંભાવનાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ નિર્ણય છે. અમદાવાદમાં અનેક ગાર્ડનમાં ભરાયા હોવાથી ગાર્ડનમાંથી પાણી કાઢવાની કામગીરી અને સાફસફાઈની કામગીરી ચાલી રહી છે. કલેક્ટર કચેરી દ્વારા નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી તમામ ગાર્ડન રહેશે.

વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્ય કરી રહ્યું છે. આ સાથે જિલ્લાના નાગરિકો માટેની 108 સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. વડોદરા ડિવિઝનનાં ડભોઇ અને એકતાનગર વચ્ચે રેલવે ટ્રેકનાં ધોવાણનાં કારણે પશ્ચિમ રેલવેની કેટલીક્ ટ્રેન રદ કરવામાં આવી છે.

ભારે વરસાદ ધરાવતાં ગામ – શહેરમાં સૂચના

◆ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર કરવું.

◆ સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી

◆ અજાણ્યા રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી.

◆ નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી.

◆ નદી – નાળા, દરિયાઈ વિસ્તાર, વાડી વિસ્તાર કે ખેતર કરતાં ગ્રામીણ, શહેર વિસ્તારમાં રહેવું

◆ પશુને બાંધી રાખવા નહીં.

◆ વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાનમાં રહેવાનું પસંદ કરો.

◆ સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી.

◆ કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર 108 સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments