ગાંધીનગરઃ ભારતની 17 બેંકો પાસેથી આશરે રૂ. 9000 કરોડની લોન લઈને લંડન ભાગી જનારા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને અવમાનના કેસમાં 2017માં જ સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આ કેસની સુનાવણી આજે (11 જુલાઈ)એ થઈ છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે વિજય માલ્યાએ એક સપ્તાહમાં 40 મિલિયન ડોલર ચૂકવવાના રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે માલ્યાને 4 મહિનાની સજા અને 2 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુપ્રીમે કહ્યું કે, જો વિજય માલ્યા કોર્ટની અવગણના કરે તો તેની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિજય માલ્યાને વધુમાં વધુ સજા આપવાની માગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, માલ્યાએ દેશની બેંકો પાસેથી લોન લઈને પોતાના હિત માટે વિદેશી ખાતામાં પૈસા ટ્રાન્સફર તો કર્યાં જ છે, પણ માનનીય કોર્ટને ખોટી જાણકારી આપી છે. તે 5 વર્ષમાં કોર્ટ સમક્ષ હાજર પણ થયો નથી. તેથી વિજય માલ્યા યોગ્ય સજાને હકદાર છે.