રવિવારના દિવસે રાજ્યમાં પડેલા વરસાદે જાણે કે કેર જ વર્તાવ્યો, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આવનારા 4 દિવસમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તૂટી પડશે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ તબક્કે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, નવસારી, પંચમહાલ, ભરૂચ, તાપી, વડોદરા, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતના કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરત અને તાપીમાં ભારે વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો 12 જુલાઈએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને દીવ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદામાં વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
13 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભરૂચ, સુરત, તાપી, અમદાવાદ, આણંદ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે અને NDRFની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. તો કેટલીક ટીમોને વડોદરા અને ગાંધીનગરમાં સ્ટેન્ડ બાય પર મૂકી દેવામાં આવી છે.