કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન આગામી 5 વર્ષમાં ભારતમાં પેટ્રોલ પર પ્રતિબંધ
- આગામી 5 વર્ષમાં પેટ્રોલનો ઉપયોગ બંધ થઈ જશે: નીતિન ગડકરીનો દાવો
- ગડકરીએ કહ્યું કે ગ્રીન હાઇડ્રોજનનો પણ વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે
- પાણીમાંથી બનાવેલ હાઇડ્રોજન 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી શકે છે
- આગામી પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલનો વપરાશ બંધ થઈ જશે
દેશમાં ઈંધણના ભાવ વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. આ દરમિયાન પેટ્રોલને લઈને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલનો ઉપયોગ બંધ થઈ જશે. આ તર્ક સાથે, તેમણે બાયો-ઇથેનોલનું ઉદાહરણ ટાંક્યું હતું. ઉલ્લેખનિય છે કે બાયો-ઇથેનોલનું ઉત્પાદન મહારાષ્ટ્રના વિદર્ભ જિલ્લામાં થઈ રહ્યું છે. તેનો ઉપયોગ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં થશે.
આપને જણાવી દઈએ કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દેશમાંથી પેટ્રોલ ખતમ થઈ જશે. અથવા તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે. તેમણે કહ્યું કે ગ્રીન હાઇડ્રોજનનો પણ વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. જે ઊંડા કૂવાના પાણીમાંથી બનાવી શકાય છે અને 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકાય છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ અને સીએનજી પર ચાલશે.
ઈંધણની કિંમતોમાં સતત વધારા વચ્ચે નીતિન ગડકરીનું આ નિવેદન હાલ ચર્ચામાં છે. ગડકરીને ગત ગુરુવારે મહારાષ્ટ્રના અકોલામાં પંજાબરાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠ દ્વારા ડૉક્ટર ઑફ સાયન્સ (DSc)ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગથી આગામી પાંચ વર્ષમાં દેશમાંથી પેટ્રોલને ખતમ કરી શકાય છે. આ સાથે ગડકરીએ કહ્યું કે ખેડૂતો ભવિષ્યમાં ઉર્જા પ્રદાતા તરીકે પણ યોગદાન આપી શકે છે. તેમણે કહ્યું કે દેશનો ખેડૂત માત્ર ઘઉં, ચોખા, મકાઈનું વાવેતર કરીને પોતાનું ભવિષ્ય બદલી શકતો નથી. ખેડૂતોએ આગામી વર્ષોમાં ઉર્જા પ્રદાતા બનવાની જરૂર છે.
ગડકરીએ કહ્યું કે ખેડૂતો અને ખાંડની મિલો ઇથેનોલ મિશ્રિત તેલનું વેચાણ કરીને નફો મેળવી રહી છે. જેના કારણે ગયા વર્ષે 20 હજાર કરોડની બચત થઈ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ડીઝલ-પેટ્રોલ પ્રદૂષણ વધારવામાં મહત્વપૂર્ણ સહાયક છે, જેના કારણે પર્યાવરણમાં સંતુલન ખોરવાય છે. પરંતુ ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ, સીએનજી પર્યાવરણને અનુકૂળ ઇંધણ છે.