નવસારીઃ જિલ્લામાં હાલમાં ભારેથી અતિ ભારે વરસાદ હાલમાં વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે બીજી જુલાઈએ સમાચાર મળ્યા છે કે બીલીમોરાની GIDCમાં આવેલી લાકડાની મિલમાં આગ લાગી છે. આ લાગ શોર્ટ સર્કિટને કારણે હોવાનું જાણવા મળ્યું છે. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે 3 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાયટર બીલીમોરા, ગણદેવી અને નવસારી એમ કુલ 3 જગ્યાએથી પહોંચ્યા હતા. ફાયર ફાયટરની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જાનહાનિ ન થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
મિલના માલિકને લગભગ 10 લાખનું નુકસાન
આ મિલ ધવલ પટેલના નામે છે. મિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો વહેલી સવારે ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે એક તરફ વરસાદ વરસતો હતો છતાં આગની જ્વાળાએ માથું ઉંચક્યું હતું. આ આગની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. જોકે, મિલમાલિકને આશરે રૂપિયા 10 લાખથી વધુનું નુક્સાન થયાનું નોંધાયું છે.
બીલીમોરામાં ભૂતકાળમાં આગની અન્ય ઘટનાઓ
બીલીમોરામાં છેલ્લા છ મહિનામાં આગની ઘટના જોઈએ તો થોડા દિવસ પહેલાં ફૂલની દુકાનમાં આગ લાગી હતી. ફૂલની દુકાનમાં ગેસનો બાટલો ફાટતાં એક યુવાનનું મોત થયું હતું. એ પછી બીલીમોરા – સુBiરત હાઈવે પર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નાની-મોટી આગની ઘટના સામે આવી હતી.