આજે અમદાવાદના જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના આ દિવસે ભગવાન જગન્નાથ પોતે ભક્તોના ઘર સુધી પહોંચ્યા છે, જેથી સમગ્ર અમદાવાદ શહેર ભારે ઉત્સાહમાં આવી ગયું છે અને કોરોનાનાં 2 વર્ષ બાદ ભગવાનનાં દર્શન કરવા ઊમટી પડ્યાં છે.
વહેલી સવારે મંગળાઆરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. જે બાદ કોરોના નેગેટિવ આવતાં CM દ્વારા સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના આ પાવન પર્વે કચ્છી નવું વર્ષ પણ રંગેચંગે ઊજવવામાં આવી રહ્યું છે. જે અંગે મુખ્યમંત્રીએ કચ્છી ભાઈઓને નવાવર્ષની શુભકામના પણ પાઠવી.
પહિંદ વિધિ બાદ જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થયું ત્યારે ભગવાનના રથને ખેંચવા માટે લોકો દ્વારા ભારે માનવમહેરામણ એકત્ર થઈ ગયું હતું. સૌકોઈ ભગવાનને નગરચર્ચા કરાવવા માટે આતુર જણાયા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથ આજે શહેરના નાગરિકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. સમગ્ર નગરજનો ઉત્સાહથી જગતના નાથને આવકારવા આતુર છે.
રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાનો ઉલ્લેખ કરી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા સંપૂર્ણ રૂટ પર પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર યાત્રાના રૂટમાં 25 હજાર જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા છે.
આ અવસરે મહંત દિલીપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા.