રાજ્યના નગરો અને મહાનગરોના સુઆયોજિત વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગંભીરતા દાખવવામાં આવી છે. મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 2022-23ના વર્ષ માટે 5100 કરોડની ફાળવણી કરી. જે અનુસંધાને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિસ્તૃત ફાળવણી આયોજન દરખાસ્તને મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાશિ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મહાનગરો, નગરો અને શહેરી વિકાસ સત્તામંડળોને આપવાની પણ અનુમતિ આપી છે. જે મુજબ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને રૂ.3806 કરોડની રકમ રાજ્યનાં મહાનગરો, નગરો તથા સત્તામંડળોમાં વિવિધ જનહિત વિકાસકાર્યોના હેતુસર ઉપયોગમાં લેવા ફાળવાશે. ઉપરાંત આ રકમમાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ.1294 કરોડ ફાળવાશે. GMFB અને GUDMને ફાળવાનારી આ રકમમાંથી રાજ્યની મનપાઓને રૂ.3345 કરોડ, નપાઓને રૂ.1628 કરોડ તથા શહેરી વિકાસ સત્તામંડળોને રૂ.127 કરોડની રકમ વિકાસકાર્યો માટે અપાશે.
મુખ્યમંત્રીએ આ હેતુસર વિવિધ આંતર માળખાકીય વિકાસ કામો માટે 8 મનપાને રૂ.1917 કરોડ, નપાઓને રૂ.379 કરોડ અને શહેરી વિકાસ સત્તામંડળોને રૂ.72 કરોડ આપવાની જોગવાઈ સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ.500 કરોડની ફાળવણી થશે, તેમાંથી 8 મનપાઓને રૂ.300 કરોડ અને નપાઓને રૂ.200 કરોડ ફાળવાશે.