Homeટોપ સ્ટોરીઝગુજરાતમાં દરિયાકિનારાની મજા ક્યાં માણશો?

ગુજરાતમાં દરિયાકિનારાની મજા ક્યાં માણશો?

સમુદ્ર કિનારો પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. કોણ એવું હશે કે જેને બીચની સુંદરતાનું આકર્ષણ નહીં હોય? બીચ હરવા ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ તો હોય જ, પણ શાંતિ અને કુદરતી હૂંફ માટે પણ શ્રેષ્ઠ છે.

આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો તેને ભારતનો 1600 કિ.મી.નો સૌથી લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. ગુજરાત નજીકના આ 1600 કિ.મી. લાંબા દરિયાકિનારા પર કંડલા બંદર પશ્ચિમ ભારતના સૌથી મોટા બંદરોમાંનું એક છે. આ ઉપરાંત નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીની મુદ્રા બંદર જેવા મહત્ત્વના બંદરો આવેલાં છે. આ ઉપરાંત ગુજરાતને શ્રેષ્ઠ અને માણવાલાયક બીચ પણ મળ્યાં છે તો આવો જાણીએ ગુજરાતના ક્યા ક્યા દરિયા કિનારાની તમે મુલાકાત લઈ શકો.

સોમનાથ બીચ

સોમનાથ બીચ શ્રેષ્ઠ દરિયાકિનારામાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ છે કે અહીં એક શિવમંદિર છે જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. સોમનાથનો બીચ સ્વિમિંગ માટે કે સહેલાણીઓ માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં દરિયાના કિનારે કુદરતી સૌંદર્યને માણવા માટે આ બીચ યોગ્ય છે.

સર્કેશ્વર બીચ

સર્કેશ્વર બીચ અમરેલી અને જૂનાગઢ વિસ્તારની સરહદે આવેલો છે. તે દીવની નજીક પણ છે. અહીંના પાણીનો રંગ આકર્ષક છે. અહીંયાના દરિયામાં લાંબા અંતર સુધી છીછરું પાણી હોવાના કારણે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકાય છે. સર્કેશ્વર બીચની આસપાસનો માહોલ પણ સુંદર છે. રાજ્ય સરકાર દ્વારા આ બીચ પર સહેલાણીઓ માટે સુવિધાઓ ઊભી કરવા યોગ્ય પ્રયાસો થયા છે. રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના પ્રવાસીઓને પણ આ બીચ આકર્ષે છે.

અહેમદપુર માંડવી

અમદપુર માંડવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરહદે અને જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું છે. નલિયા માંડવીથી ખૂબ નજીક છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચમાંનો એક છે. જે આશરે સાત કિ.મી.નો દરિયાકિનારો આ બીચ ધરાવે છે.

ચોરવાડ બીચ

 જૂનાગઢના નવાબ મહોબત ખાને 1930માં ચોરવાડ દરિયાના કિનારે સમર પેલેસ બનાવ્યો હતો. આ સ્થળ પર ભારત – જૂનાગઢની આઝાદી સુધી જૂનાગઢના નવાબી ઘરાનાનું શાસન હતું. આ મહેલને ડારિયા પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહેલ ઇટાલિયન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીનો ઉત્તમ નમૂનો છે. 1974માં ભારત સરકારે આ જગ્યાને પોતાના હસ્તક લીધું અને આ મહેલને રિસોર્ટમાં પરિવર્તિત કરવા માટે પગલાં લેવાયાં. ખડકાળ દરિયાકાંઠાના કારણે આ બીચ તરવૈયાઓ માટે અસુરક્ષિત છે. આ સમુદ્રી વિસ્તારમાં બોટ રાઈડનો આનંદ લઈ શકો છો. ચોરવાડ સમુદ્ર કિનારે હોલિડે કૅમ્પ ઉપરાંત આ સમુદ્ર કિનારે ભવાની માતાજીનું અને દાઢેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.

માધવપુર બીચ

માધવપુર એ પોરબંદર જિલ્લામાં આવેલો સુંદર બીચ છે. માધવપુર બીચની રેતી સફેદ અને સાફ છે અને સમુદ્રનું પાણી શાંત અને ભુરાશ પડતું વાદળી રંગનું છે. આ દરિયાનો કિનારો છીછરું પાણી ધરાવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં આ બીચ સફળ રહે છે. આ બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે કેટલીક સુવિધાઓ અને કેટલીક યોજનાઓ પર કામગીરી હાથ ધરી છે.

પોરબંદર બીચ

પોરબંદર જિલ્લો એ ગુજરાત રાજ્યના સમુદ્રકાંઠાનો વિસ્તાર છે. મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્ત્વનું બારમાસી બંદર છે. પોરબંદર શહેરનો બીચ રમણીય છે અને આ બીચની આજુબાજુમાં પવનચક્કી ફાર્મ પણ આવેલાં છે.

મિયાણી બીચ

મિયાણી એ પોરબંદર જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે. મિયાણી જામનગર અને પોરબંદર એમ બે મોટા શહેરો સાથે વિભાજિત થયેલું છે. મિયાણી પાસે હર્ષદ માતાનું મંદિર આવેલું છે. મિયાણી બીચ મેડા ક્રીક સાથે જોડાયેલો છે. આ બીચ પર સ્વચ્છ સમુદ્ર અને નાની ટેકરીઓ પણ જોવા મળે છે.

દ્વારકા બીચ

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય શહેર બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ,ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે. દ્વારકા જવા માટે જામનગરથી વ્હિકલ મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.

બેટ દ્વારકા

બેટ દ્વારકા એ ખૂબ જ પ્રાચીન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન કૃષ્ણ દ્વારા શંખ નામના રાક્ષસને અહીં ઉદ્ધાર કરેલ શંખોદ્ધાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જામનગર બીચ

જામનગરમાં જોવાલાયક અનેક સ્થળો છે. જામનગર જિલ્લામાં પીરોટન આઇલેન્ડ, માડી, લગૂન, પોસીત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે દરિયાકાંઠાના સ્થળો આવેલા છે. કચ્છથી જામનગર સુધી લગભગ 42 નાના-નાના બીચ છે જ્યાં મુલાકાતીઓ દરિયાના કિનારાની મજા લઈ શકે છે.

ઓખા મઢી બીચ

ઓખા મઢી બીચ દ્વારકા જિલ્લામાં આવેલો છે. આ બીચ પ્રવાસન સ્થળ માટે ઉત્તમ છે. ઓખા મઢી દરિયા કિનારાની કુદરતી સુંદરતા જોઇને આપને અહીં જ રહેવાનું મન થઇ જાય તેવો આ બીચ છે.

ભવાની બીચ (મહુવા બીચ)

મહુવાથી 5 કિમી દૂર ભવાની બીચ પાસે ભવાની માતાનું મંદિર છે. બીચની આસપાસ લીલોતરી છે. આ બીચનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટી પડે છે.

ઘોઘા બીચ

ઘોઘા બીચ ભાવનગરથી 20 કિમીના અંતરે છે. ત્યાંના સ્થાનિકો અને આસપાસના લોકો માટેનું ફરવાલાયક સુંદર સ્થળ છે.

 ગોપનાથ બીચ

ગોપનાથ મંદિર અને ગોપનાથ બીચ ભાવનગરથી 75 કિમી દૂર આવેલું છે. ગુજરાતના અન્ય બીચની જેમ ગોપનાથમાં પણ સુંદર બીચ આવેલો છે. યાયાવર પક્ષીઓ, લાઇમ સ્ટોન ક્લિકના કારણે વેકેશન દરમિયાન આ દરિયાકાંઠે લોકોનો મેળાવડો જામે છે. જોકે આ દરિયાકાંઠો ઉછળતા તેજ મોજાઓને કારણે નહાવા કે સ્વિમિંગ માટે હિતાવહ નથી. ગોપનાથ પાસે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જૈન ધર્મસ્થાન, પાલિતાણા અને તળાજા પણ જોવાલાયક સ્થળો છે.

માંડવી બીચ (કચ્છ)

આ દરિયા કિનારો ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું સુંદર સ્થળ છે. ભુજથી લગભગ ૬૦ કિ.મી.નાં અંતરે આ દરિયા કિનારો આવેલો છે. બ્રિટિશ રાજ્યના જમાનાનો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ પણ છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે.

પિંગળેશ્વર બીચ

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગળેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચમાંનો એક બીચ છે. તે કચ્છથી 100 કિ.મી. દૂર આવેલું છે. વિકાસની દૃષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગળેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ જેમ કે, ડ્રિંક્સ, સર્ફ, સનબાથ વેગેરે ઉભું કરવાની યોજના છે. બીચનો આંનદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ત્યાં, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કારવાન ફેસેલિટી ઊભી કરવાની યોજના સરકારની છે.

દાંડી બીચ

નવસારી જિલ્લાનો ઐતિહાસિક દાંડી બીચ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો છે. આ બીચ સુરતથી ખૂબ જ નજીક છે.

ડુમસ બીચ

ડુમસ બીચ સુરતથી માત્ર 19 કિલોમીટરના અંતરે જ આવેલો છે.

સુવાળી બીચ

સુવાળી બીચ સુરતમાં આવેલો છે.

તીથલ બીચ

નારગોલ બીચની જેમ તીથલ બીચ પણ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો છે. સુરત અને ઉમરગાંવ વચ્ચે આવેલો હોવાથી આ બીચ પર પણ વિકાસનો વ્યાપ વધારે છે. સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળ પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટુરીઝમ બીચ બનાવવા માટે જરૂરી સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું આયોજન કર્યું છે.

નારગોલ બીચ

નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ બંદર છે. ઉપરાંત વિકાસની દૃષ્ટિએ સુરત અને ઉમરગામની વચ્ચે આ બીચ છે. તેથી વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments