અભિનેતા અમિતાભ બચ્ચન બોલિવુડના શહેનશાહ ગણાય છે. તેઓ સીતેરના દાયકાથી સિનેમાક્ષેત્રે સક્રિય છે. આજે પણ તેઓ ફિલ્મો અને ટીવીક્ષેત્રે ખૂબ સક્રિય કલાકાર છે. વ્યકિતજીવનમાં પણ એકદમ વિનમ્ર અને સૌમ્ય હોવાની છાપ ધરાવતા આ કવિપુત્ર એકવાર સાધનાની પાર્ટીમાં ખૂબ જ વ્યથિત થઇ ગયા હતા. જી હા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમિતાભે આ વાત કરી હતી. એમના જણાવ્યા પ્રમાણે વર્ષ 1968માં એકટર બનવાનું સપનું લઇને તેઓ ઇંદોરથી મુંબઇ પહોચ્યા હતા. ડાયરેકટર મોહન સહગલ દ્વારા તારા સ્ટુડિયોમાં અમિતાભનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો. આ ટેસ્ટ આપ્યા બાદ અમિતાભ સુનીલ દત્ત અને નરગિસ દત્તની પાર્ટીમાં ગયા.
View this post on Instagram
આ પાર્ટી પછી અમિતાભ બીજી એક પાર્ટીમાં ગયા. આ પાર્ટી હતી મશહૂર એકટ્રેસ સાધનાની. તેણીના ઘરે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં એક પત્રકાર અને એક નિર્માતા વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઇ અને બંને ગુસ્સામાં એકબીજા પર ફૂડ ફેંકવા લાગ્યા. થોડીવારમાં તો ત્યાં હાજર સૌ કોઇ એકબીજા પર ખાવાની વસ્તુઓ ફેંકવા લાગ્યા. અમિતાભને આ જોઇ ખૂબ જ દુ:ખ થયું. પાર્ટીની હોસ્ટ સાધના જાણે કંઇ જ બન્યુ ન હોય તેમ ચુપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ.
અમિતાભ પોતાના પિતા સાથે દિલ્લી આવી ગયા. જોકે ઘણા સમય સુધી આ ઘટનાને લઇને અમિતાભ પરેશાન રહ્યા. અમિતાભ પોતાની વાત પૂરી કરતા કહ્યુ હતું કે, ‘ એ સમયે હું હજાર રૂપિયા લઇને મુંબઇ આવ્યો હતો અને પૈસાની આ રીતે બરબાદી જોઇને હું પરેશાન થઇ ગયો હતો’