હિંદુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે ઘરની સ્ત્રીઓ દુઃખી થાય તો લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. જે ઘરમાં મહિલાઓ ખુશ રહે છે, ત્યાં હંમેશાં માતા લક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાનો વાસ હોય છે. આવી સ્થિતિમાં જો ઘરની મહિલા દ્વારા કોઈ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ સિવાય લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનવર્ષા પણ થાય છે.
કળિયુગની સૌથી મોટી જરૂરિયાત સંપત્તિ છે, જે આપણી તમામ જરૂરિયાત પૂર્ણ કરવાની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ અપાવે છે. હજારો વર્ષ પહેલાં ભાગવત પુરાણમાં એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કળિયુગમાં એક સારું કુળ (કુટુંબ) જેને સૌથી વધુ સંપત્તિ હશે તેને કહેવામાં આવશે. આવા કુટુંબનું સન્માન થશે, લોકો તેમને નમન કરશે, તેઓ તેમની સંપત્તિના તેજથી પ્રભાવિત થશે, તેથી જ જીવનની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે જ નહીં, પરંતુ સમાજમાં સ્થાન બનાવવા માટે પણ પૈસા જરૂરી બની ગયા છે.
આપણા બધાના જીવનમાં મા લક્ષ્મીનું વિશેષ મહત્ત્વ છે અને કોણ નથી ઇચ્છતું કે મા લક્ષ્મીની કૃપા તેમના પર ન રહે. આપણે રોજિંદા જીવનમાં અજાણતામાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે મા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. જો તમે તમારા રોજિંદા જીવનમાં આ બાબતોનું ધ્યાન રાખશો તો મા લક્ષ્મી પ્રસન્ન થશે.
સૂતા પહેલાં કપૂર સળગાવોઃ
દરરોજ સૂતા પહેલાં કપૂર સળગાવવું જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ સિવાય બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો નથી. તેમજ પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે.
દીવો કરવોઃ
મહિલાઓએ રાત્રે સૂતા પહેલાં પૂજાસ્થાન પર દીવો કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ કામ દરરોજ કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશાં વાસ કરે છે. સાથે જ મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે.
ગૃહિણીએ રાત્રે સૂતા પહેલાં ઘરના પશ્ચિમ અને દક્ષિણ ખૂણામાં પણ દીવો કરવો જોઈએ. કહેવાય છે કે જો આ દિશામાં પ્રકાશ હોય તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
વડીલોની સેવાઃ
જે ઘરમાં માતા-પિતા અને વડીલોની સેવા કરવામાં આવે છે, તે ઘરમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આવી સ્થિતિમાં ઘરની સ્ત્રીએ સૂતા પહેલાં પોતાનાં માતા-પિતા, સાસરિયાં કે વડીલોની સેવા કરવી જોઈએ.
ધાર્મિક માન્યતા અનુસાર ઉપરોક્ત કાર્યો કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે, તેથી ગૃહિણીએ દરરોજ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.