વર્ષ 2018માં આવેલી આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’ બાદ અભિનેતા શાહરુખ ખાને ફિલ્મોમાંથી લાંબો બ્રેક લઈ લીધો હતો. ચાહકો શાહરુખને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત હતા ત્યારે ચાહકોની લાંબી રાહ પર પૂર્ણવિરામ મૂકતા શાહરુખે પોતાની આગામી ત્રણ ફિલ્મોનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું છે. યશરાજ પ્રોડક્શનમાં બની રહેલી એકશનપેક્ડ સ્પાય ડ્રામા ફિલ્મ ‘પઠાન’, રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘ડંકી’ અને અને સાઉથ ફિલ્મમેકર એટલી કુમારની ફિલ્મ ‘જવાન’માં પણ લીડ રોલમાં જોવા મળશે.
રસપ્રદ વાત એ છે કે, શાહરુખની આ ત્રણેય ફિલ્મો વર્ષ 2023માં રિલીઝ થવાની છે. ટ્રેડ વિશ્લેષકોના મતે આ ત્રણેય ફિલ્મો મોટા બજેટની મનોરંજક ફિલ્મો છે. ત્રણેય ફિલ્મોનું અંદાજિત બજેટ અંદાજે રૂ. પાંચસો કરોડનું છે. શાહરુખના સ્ટારડમને જોતાં મેકર્સે શાહરુખની ફિલ્મોને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી.
‘પઠાન’ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને ડિમ્પલ કાપડિયા મહત્ત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં સલમાન ખાનનો પણ કેમિયો છે. પઠાન 25 જાન્યુઆરી, 2023ના રોજ હિંદીની સાથે સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. ‘ડંકી’ ફિલ્મમાં શાહરુખ અને તાપસી પન્નુની જોડી પહેલીવાર પડદે જોવા મળવાની છે.
View this post on Instagram
આ ફિલ્મ 22 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે. શાહરુખની ત્રીજી ફિલ્મ ‘જવાન’માં નયનતારા, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ એકશન ફિલ્મ 2 જૂન,2023ના રોજ સિનેમાઘરોમાં હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્ન્ડ એમ પાંચ ભાષામાં રિલીઝ થશે.