ભારતના ફલાઇંગ શીખના નામથી મશહૂર મિલ્ખા સિંહ ભલે આજે આપણી વચ્ચે ન રહ્યા હોય પણ દેશ માટે એમનું પ્રદાન હંમેશા યાદ રહેશે. વર્ષ 2013માં મિલ્ખા સિંહ પર ‘ભાગ મિલ્ખા ભાગ’ નામની ફિલ્મ બની હતી જેમાં મિલ્ખા સિંહનું પાત્ર ફરહાન અખ્તરે ભજવ્યું હતું. એક રમતવીર જેવું કસાયેલું શરીર બનાવવા ફરહાનને ખૂબ જ મહેનત કરવી પડી હતી. ‘ભાગ મિલ્ખા ભાગ’ સાઇન કર્યા બાદ ખુદને એક એથલીટના રૂપમાં ઢાળવા માટે ફરહાને દરરોજ ત્રણથી ચાર કલાકની સઘન તાલીમ મેળવી હતી.
‘ભાગ મિલ્ખા ભાગ’ દરમિયાન ફરહાનના ટ્રેઇનર સમીર જાઉરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘ જયારે ફરહાને ફિલ્મ સાઇન કરી ત્યારે એમનું વજન 66 કિ.ગ્રા. હતું. ફિલ્મમાં એમને 75 કિ.ગ્રા.ના વજનવાળા માણસ તરીકે દેખાવાનું હતું. સૌથી પહેલા અમે આ ટાસ્ક માટે મહેનત કરી હતી.
ફિલ્મના એક ભાગમાં મિલ્ખા સિંહ આર્મી જોઇન કરે છે જેમાં ફરહાનને લગભગ 15 કિ.ગ્રા વજન ઓછુ કરવાનું હતું. આ માટે અમારે સાડા ત્રણ મહિના જેટલો લાગ્યો હતો. એ સમયે એના મસ્લ્સને ટોનડાઉન રાખવામાં આવ્યા હતા પરંતુ બોડીસ્ટ્રકચરમાં કોઇ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.’ સમીરે મુલાકાતમાં આગળ કહ્યું હતું કે, ‘દર પંદર દિવસે ફરહાનના વર્કઆઉટમાં બદલાવ કરવો પડતો હતો કે, જેથી એક જ પ્રકારના વર્કઆઉટની આદત ન પડી જાય. આ માટે પહેલા ફરહાનની સ્ટ્રેન્થ વધારવામાં આવી અને પછી મસલ્સને મજબૂત બનાવવા પર કામ કર્યુ. આખરે 13 મહિનાની સઘન તાલીમ પછી ફરહાન મિલ્ખાસિંહના પાત્રમાં ફિટ થઇ શકયા.
View this post on Instagram
માત્ર સઘન તાલીમ જ નહીં પરંતુ આ દરમિયાન ફરહાને ખાવાપીવાની બાબતોમાં પણ ચુસ્ત રીતે નિયમોનું પાલન કર્યું હતું. 13 મહિના સુધી અભિનેતાએ રોટલી, બ્રેડ, ભાતને હાથ પણ નહોતો અડાડયો. ફરહાને ટ્રેઈનીંગ પીરિયડ દરમિયાન કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફેટ સંતુલિત હોય તેવો જ ખોરાક લીધો હતો.