ગુજરાત જ નહીં વિશ્વ ફલક સુધી દેશનું નામ રોશન કરનાર નિરમા ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા કરસનભાઈ પટેલની વાતથી વ્યવસાયના વિકાસ અંગે વાત કરીએ. કરસનભાઈ તેમના યુવાનીના કાળમાં સાઇકલ પર લાદેલી થેલીઓમાંથી વોશિંગ પાઉડર વેચતાં. આજે કરસનભાઈ અને નિરમા ઈન્ડસ્ટ્રીઝ દેશ – વિદેશમાં ઉદ્યોગવિશ્વમાં મોખરાનું નામ ધરાવે છે. કરસનભાઈની પછીની પેઢીએ પણ વૉશિંગ પાઉડરથી લઈને નાહવા અને કપડાં ધોવાના સાબુ પાઉડરના ઉદ્યોગમાં તો નિરમાનું નામ જાળવી જ રાખ્યું, પણ સમયાંતરે પ્રોડક્ટમાં જરૂરી ફેરફાર પણ કર્યાં. આ ઉપરાંત નિરમા ઈન્ડસ્ટ્રીઝે શિક્ષણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું અને ટોપ ટેકનિકલ યુનિવર્સિટીઝમાં નિરમાનું નામ આજે વિશ્વસ્તરે બોલાય છે. સમય સાથે પ્રોડક્ટમાં પરિવર્તન સાથે અને વ્યવસાયના સુઆયોજિત વિકાસના કારણે જ કંઈ કેટલીય મલ્ટિનેશનલ કંપનીઝની બ્રાન્ડ્ઝ અનેક પ્રયાસો છતાં નિરમાને હંફાવી શકી નથી.
કરસનભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, વિવાદમાં સપડાવા કરતાં વ્યવસાયમાં આપણને આવડે એ કરવું. આવી સરળ વિચારધારા ધરાવતી પ્રતિભા એવા કરસનભાઈ તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના વ્યવસાયમાં જ પરોવી રાખતા. જોકે તેમની આ આદત તેમણે જ્યારે નિરમા પાઉડર છૂટક વેચવો શરૂ કર્યો ત્યારથી.
શરૂઆતમાં એકલપંડે પાઉડરનો વ્યવસાય શરૂ કર્યા બાદના શરૂઆતના વર્ષોમાં તેમની આમ તો સાવ સામાન્ય કહેવાય એવી વૉશિંગ પાઉડર બનાવવાની કંપની હતી, પણ અહીંનું કામ જોઈને કોઈને પણ નવાઇ લાગે. કોઈ કર્મચારી જ્યારથી કંપનીમાં જોડાય ત્યારથી જ કંપનીની કાર્યપદ્ધતિ અને તેમના કંપનીમાં કામ અંગેના કાર્યક્ષેત્ર વિશે મોઢામોઢ નહીં, પણ લેખિતમાં સૂચનો કરવામાં આવતા. બિઝનેસ જ્યારે નાનો હતો ત્યારે તો તેઓ ખુદ દરેક માણસને ચહેરા – નામથી ઓળખતા એટલે જેનું કામ પડે તેની પાસે જઈને પોતે જ આગળના કામ અંગેની માહિતિ આપતા. તેમના તે વખતના સહકર્મચારીઓએ તેમના માટે આ શબ્દો કહ્યાના દાખલા છે.
મિટિંગ થતી અને એ મિટિંગમાં કંપનીના ગોલ અને કંપની કેટલો નફો કરવા ધારે છે એ અંગેની ગંભીર ચર્ચા સાથે કંપનીના હિસાબો, ઉત્પાદન અને માલના વિતરણ અંગેના સૂચનો લાગતા વળગતા કર્મચારીને અપાતા.
આ પરથી જ આપણે સમજી શકીએ કે કંપની કે વ્યવસાયનું કદ નાનું હોય ત્યારથી જ તેનું સંચાલન જો સુવ્યવસ્થિતપણે આગળ વધે તો કંપનીનો વિકાસ થાય જ અને કંપનીને નફો પણ થાય જ.