વર્ષ 2009ની વાત. એક માણસ બ્રાયન એક્શન. સોશિયલ મીડિયાના જમાનામાં આ નામ તો બધાએ લગભગ સાંભળ્યું જ હોય. ઝુકરબર્ગની સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સોશિયલ મીડિયા યુગમાં આવતાંની સાથે જ ધમાલ મચાવી હતી. એ જ આ ગાળો જેમાં બ્રાયન એક્શને ફેસબુકમાં જોડાવા માટે પ્રયત્ન કર્યો. ફેસબુકે પોતાની કંપની માટે બ્રાયનને લાયક કર્મચારી ન ગણ્યો. બ્રાયનને ફેસબુકમાં નોકરી ન મળી. આશાવાદી બ્રાયને હાર ન માની. બ્રાયનની મહેનત અને આશાવાદના લીધે તે વિશ્વની અગ્રગણ્ય મોબાઈલ એપ્લિકેશન વ્હોટ્સ એપનો કો – ફાઉન્ડર બન્યો. બ્રાયને જ્યારે મોબાઈલ એપ્લિકેશન ક્ષેત્રમાં ઝુકાવવાનું વિચાર્યું ત્યારે તે તેના માટે તદ્દન નવી જ શરૂઆત હતી. જો તે ફેસબુકમાં નોકરી ન મળવાથી નિરાશાવાદી બન્યો હોત તો આજે સફળતાનો સ્વાદ ચાખી શક્યો ન હોત.
આ ઉદાહરણનો સાર એ કે સફળતા મેળવવા ભૂતકાળની નિરાશાને મનમાંથી દૂર ફેંકી દો. યોગ્ય તક મળે એ માટે પ્રયત્ન કરો. યોગ્ય તક મળે પછી દિવસ રાત જોયા વગર માત્ર મહેનત કરો. પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ કેળવો અને ભૂતકાળની નિષ્ફળતા મળ્યા છતાં પણ પોતાનામાં વિશ્વાસને ટકાવી રાખો. તમને શું ગમે છે તે નહીં પરંતુ જે મળે છે તે કામને ગમતું કરો. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે મનોબળ મક્કમ રહેવું જોઈએ અને વિચારે હકારાત્મક રહેવા જોઈએ.
ભૂતકાળમાં વ્યાવસાયિક ક્ષેત્રના કડવા અનુભવોમાંથી મેનેજરે શીખવું જોઈએ, પણ નિરાશાવાદી ન બનવું જોઈએ. ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટના તમારી માનસિક શાંતિને છીનવી શકવી ન જોઈએ.