દરેક ડોક્ટર લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપે છે. લીલા શાકભાજીમાં તમામ પોષક તત્ત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. પાલકને પહેલા લીલા શાકભાજીના નામે યાદ કરવામાં આવે છે. સ્વાદ સિવાય પાલક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. પાલક મોટેભાગે ઠંડીની ઋતુમાં આવે છે, અને શિયાળામાં તેને ખાવાના ફાયદા પણ ઘણા છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.
આજકાલ તમામ શાકભાજી 12 મહિના માટે ઉપલબ્ધ છે, પરંતુ વરસાદી ઋતુમાં આવતા પાલકમાં ઘણી બધી માટી અને સૂક્ષ્મજંતુઓ હોય છે, તેથી તેને આ ઋતુમાં ન ખાવા જોઈએ. આ ઉપરાંત પાલકને હંમેશા સ્વચ્છ પાણીથી 2-3 વખત સારી રીતે ધોવા જોઈએ ત્યારબાદ તેને ખાવા જોઈએ. પાલકને સલાડ અને શાક તરીકે ખાવામાં આવે છે. શિયાળાની ઋતુંમાં પાલકના પકોડા પણ ખૂબ જ સ્વાંદિષ્ટ લાગે છે. તો આવો જોઈએ પાલકના ફાયદાકારક તત્ત્વો વિશે
તમે જાણે છો કે 100 ગ્રામ પાલકમાં 26 કે કેલરી હોય છે. તેમાં 2 ટકા પ્રોટીન, 2.9 ટકા કાર્બોહાઈડ્રેટ, 92 ટકા પાણી, 0.7 ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન-એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા જ પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.
પાલક ખાવાના ફાયદા
– લોહીની ઊણપ હોય તેવા વ્યક્તિઓએ પાલક ખાવું જોઈએ.
– પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે.
– પાલકનું સેવન ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભદાયક હોય છે, કારણ કે પાલકના સેવનથી ફોલિક એસિડની ઊણપ દૂર થાય છે.
– બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે પાલકમાં રહેલું કેલ્શિયમ ઘણું ફાયદાકારક હોય છે.
– વિદ્યાર્થીઓ માટે પાલક આશીર્વાદ સમાન છે. કેમ કે પાલકના સેવનથી યાદશક્તિ વધે છે.
– પાલકના સેવનથી લોહી શુદ્ધ થાય છે, રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે, અને પાચન મજબૂત બને છે.
– નિયમિત પણે પાલક ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ દૂર થાય છે.
– પાલકનું સલાડ તરીકે સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
– પાલકમાં રહેલું બીટા કેરોટિન મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. તેને “યુવાનીનો અમૃત” કહેવામાં આવે છે.
– પાલકમાં રહેલો વિટામિન-સી ક્ષય થવાથી બચાવે છે.
– પાલકમાં રહેલા ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે રક્ષણ આપે છે.
– પાલક આંખો માટે ખૂબ લાભદાયી છે.
– પાલકનો લેપ ચહેરા પર લગાવવાથી ત્વચામાં નિખાર જોવા મળે છે.
– નિયમિત પાલક ખાવાથી વાળ ખરતા અટકે છે.