મહિલાઓના વાળ તેની સુંદરતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે મહિલાઓનો શણગાર વાળ વગર અધૂરો કહેવાય છે. દરેક મહિલા પોતાના વાળ પ્રત્યે વધારે ધ્યાન આપે છે, પરંતુ હાલના સમયમાં ઓછી ઉંમરમાં વાળ ખરવા અને સફેદ થવાની સમસ્યામાં પણ વધારો થયો છે, જેથી વાળને લઈને મહિલાઓ ખૂબ જ ચિંતિત જોવા મળતી હોય છે. મહિલાઓની આ સમસ્યાના નિરાકરણ માટે અને વાળને ચમકદાર, લાંબા કરવાના આયુર્વેદિક નુસખાઓ વિશે આપણે જાણીશું.
- લીમડો
લીમડાનાં પાનને પાણીમાં ઉકાળી તેને ઠંડું થવા દો. ત્યારબાદ આ ઠંડા પાણીથી વાળને ધોઈ લો. તમારા વાળની ચમક જળવાઈ રહેશે. આવું અઠવાડિયામાં ત્રણ વખત કરો.
- આંબળાં
વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યા વિટામિન-સીની ખામીને કારણે ઉદ્ભવે છે. જો કે આંબળાંનું સેવન કરવાથી અને વાળમાં આંબળાંનું તેલ નાખવાથી વાળની બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. સાથે જ વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે.
- ભૃંગરાજ તેલ
ભૃંગરાજ તેલ રામબાણ ઇલાજ છે. આ તેલને વાળમાં લગાવવાથી વાળ લાંબા અને કાળા બને છે, તેમજ સફેદ પણ થતા નથી. આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
- દહીં
દહીંમાં પ્રોટીનની વધારે માત્રા હોય છે. તેથી જ પ્રોટીનથી ભરપૂર દહીં ગ્રોથ માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. વાળ પર દહીંથી મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. દહીં વાળ પર લગાવ્યા બાદ 15 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને શેમ્પૂથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કોમળ અને ચમકદાર બનશે.
- મેથી
મેથીના દાણામાં ફૉલિક એસિડ, વિટામિન-એ અને વિટામિન-સીનું પ્રમાણ ભરપૂર માત્રામાં રહેલું છે. જેમાં પ્રોટીન અને નિકોટિન એસિડ પણ ઉપલબ્ધ હોય છે. જેથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. વાળની ચમકને વધારવા માટે તમારે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. સાથે જ 2 ચમચી મેથીના દાણાને રાત્રે ઊંઘતી વખતે પાણીમાં પલાળીને મૂકી દો, બીજે દિવસે સવારે મેથીના દાણાને વાટીને લેપ બનાવી વાળમાં લગાવી 20 મિનિટ બાદ તેને શેમ્પૂથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કાળા, લાંબા અને મજબૂત બનશે.