અસ્થમા એટલે શ્વાસ રુંધાવો. અસ્થમા નાથવા સંપૂર્ણ ઉપચાર કરવો અસંભવ છે. દરેક દર્દી પ્રમાણે અસ્થમાની ગંભીરતા અલગ અલગ હોય છે. દર્દી પ્રમાણે લાંબા કે ઓછા સમય સુધી અસ્થમાની દવાઓ લેવી પડે છે. અસ્થમા માટે કેટલાક ઘરગથ્થું ઉપાય અપનાવી શકાય અને તેને નિયંત્રણમાં રાખી શકાય. સામાન્ય ભાષામાં કહીએ તો અસ્થમા એવી સ્થિતિ હોય કે જેમાં શ્વાસમાં લેવાતી હવાને અવરોધ ઊભો થાય. શ્વાસ લેવામાં દર્દીને તકલીફ ઊભી થાય, જેથી શરીરમાં મ્યૂકસ (બલગમ) બનવા લાગે. અસ્થમા કે જેને દમની તકલીફ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનાથી બીજી પણ ઘણી સ્વાસ્થ્યસંબંધી સમસ્યા થઈ શકે છે.
અસ્થમાનું સામાન્ય કારણ કેટલાંક વિશેષ પ્રકારના એલર્જીવાળાં તત્ત્વો હોય છે, જે પ્રત્યેક વ્યક્તિ પર નિર્ભર કરે છે. જો તેનો ઉપાય ન કરાય તો જીવન માટે જોખમી સાબિત થાય છે. જો તમને અસ્થમા હોય તો તમારે કેટલીક સ્થિતિ અને વસ્તુઓથી સાવધાન રહેવાની જરૂર છે. જેમાં તમારી ખાણીપીણીની આદતોથી લઈને તમારા કામ કરવાની જગ્યા પણ સામેલ છે. તો આવો જોઈએ અસ્થમામાંથી રાહત મેળવવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય.
૧. આદુ
અસ્થમા માટે આદુનો ઉપયોગ અક્સીર છે. એક ટી-સ્પૂન પીસેલા આદુને દોઢ કપ પાણીમાં મેળવો. તેને સૂતા પહેલાં પીવો. આવું કરવાથી માંસપેશીઓની શીથિલતાના પ્રવાહમાં વધારો થાય છે.
2. અંજીર
અસ્થમાને નિયંત્રિત કરવા અને શ્વાસ લેવાની તકલીફને દૂર કરવામાં અંજીર ઘણું પ્રભાવી છે. ત્રણ સૂકાં અંજીરને આખી રાત પાણીમાં પલાળીને રાખો. અંજીરવાળું એ પાણી બીજા દિવસે સવારે ખાલી પેટે પી લો. ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરો.
3. મેથી
મેથીમાં ફેફસાંને સાફ કરવાનો ગુણ હોય છે. એક કપ પાણીમાં એક ટેબલ સ્પૂન મેથીનાં બીજ ઉકાળી લો. તેમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધનું મિશ્રણ કરી તેને દિવસમાં બે વખત પીવો.
4. કપૂર
સરસવના તેલમાં થોડું કપૂર નાખીને તેને ગરમ કરો અને આ તેલથી છાતીમાં અને પીઠના ઉપરના ભાગમાં માલીશ કરો. આ ઉપાયથી શ્વાસ લેવામાં સરળતા ઊભી થશે.
5. સરસવનું અથવા એરંડિયાનું તેલ
સરસવના તેલથી માલીશ કરવી એ સૌથી સારો ઘરગથ્થુ ઉપાય છે. આ પ્રકારની માલીશથી શ્વસનના માર્ગ સાફ થાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.
6. લસણ
જો તમને પ્રારંભિક અસ્થમા છે તો તમારા માટે લસણનો ઉપચાર એક સારો વિકલ્પ છે. તે ફેફસાંમાં થયેલી કોઈ રૂકાવટને દૂર કરે છે. પોણો કપ દૂધમાં લસણની ત્રણ કળી ઉકાળીને તેને સૂતા પહેલાં પીવાથી શ્વસનનળી સાફ રહે છે.
7. દાડમ
દાડમ અને આદુનો રસ સમાન માત્રામાં મધમાં મેળવો. આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરો. તેનાથી તમને શ્વાસનળીનો સોજો ઓછો થશે, જે અસ્થમામાં રાહત આપશે.
8. કૉફી
ગરમ કૉફી પીવાથી શ્વાસનળી સાફ થાય છે અને તેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે. કૉફીમાં રહેલું બ્રોન્કોડિલેટર અસ્થમાને નાથવામાં મદદરૂપ થાય છે, પરંતુ કૉફીમાં કૅફેન પણ હોય છે તેથી કૉફીનું સેવન નિયંત્રિત માત્રામાં કરો.
9. નીલગીરીનું તેલ (યુકેલિપ્ટસ ઓઇલ)
નીલગીરીમાં રહેલું ડિકોન્જેસ્ટન્ટ તેને અસ્થમા માટે ઉત્તમ ઔષધિ બનાવે છે. યુકેલિપ્ટસ કફને શરીરમાંથી કાઢવામાં સહાયરૂપ હોય છે. યુકેલિપ્ટસ ઓઇલનાં થોડાં ટીપાં રૂ પર નાખો અને તેને સૂંઘો. સૂતી વખતે તેને તમારા માથા પાસે રાખો.
10. સ્ટીમિંગ (વરાળ લેવી)
ગરમ પાણીની વરાળ (નાસ લેવો) લેવાથી શરીરમાંથી કફ ઓછો થાય છે. નાસ લેવાથી શ્વાસનળી સાફ થાય છે. નાસ લેતી વખતે ગરમ પાણીમાં નીલગીરીનાં તેલનાં બે-ચાર ટીપાં પણ નાખી શકાય.