Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

મણિશંકર ઐયર પાકિસ્તાન શું મારી સુપારી આપવા ગયા હતા? : મોદી

વડાપ્રધાને ભાભર-કલોલમાં જંગી જનમેદનીને સંબોધી
ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા ચરણનું મતદાન જ્યાં શનિવારથી શરૂ થવાનું છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બન્ને આજે ગુજરાતમાં છે. અને બપોરે ૧ વાગે જ્યાં એક તરફ બનાસકાંઠાના ભાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા સંબોધી રહ્યા હતા ત્યાં જ બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છોટાઉદેપુરમાં જનસભાને સંબોધી રહ્યા હતા. આ પ્રસંગે અનાયાસે બંન્ને જણા એક બીજા પર ચૂંટણી પહેલા પ્રહારો કરી રહ્યા હતા.
ભાભરમાં પીએમ મોદીએ કહ્યું કે પાટણ અને બનાસકાંઠાના લોકો કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો તફાવત જાણે છે. જ્યારે અહીં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ બેંગલુરુમાં ઢીલું મૂકી દીધું હતું, જ્યારે ભાજપના નેતાઓ લોકો સાથે કામ કરતા હતા, રાહત કામગીરીમાં મદદ કરતા હતા. સાથે જ પૂર યાદ કરી પીએમ એ કહ્યું કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિમાં ભાજપના લોકો કમર સુધી પાણીમાં ફરી ફરીને સેવા કરતા હતા ત્યારે કોંગ્રેસવાળા બેંગાલુરુમાં સ્વિમિંગ પુલમાં હિલોળા લેતા હતા.
ભાભરની સભામાં પીએમ મોદીએ ફરી મણિશંકર મુદ્દે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસનાં નેતા મણિશંકર અય્યર જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો એ પછી એ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં મિટીંગ કરીને ચર્ચા કરે છે કે હવે મોદી આવી ગયા છે તો જ્યાં સુધી એમને રસ્તામાંથી નહીં હટાવો તો ભારત-પાકિસ્તાનના સંબંધો નહીં સુધરે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ચૂંટણીના વરતારા કરે છે એ લોકો જરા અહીંયાં આવીને ડોકીયું કરે તો ખબર પડે કે ૧૮ મી તારીખે શું થવાનું છે?
તો બીજી તરફ ભાભરમાં નર્મદાના પાણી લાવ્યા જેવા વિકાસના કામ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ ખેતર લીલુછમ દેખાય તો એની સાથે કમળ દેખાવું જોઈએ કારણ કે આ કમળ હતું તો આપણું ખેતર લીલુછામ થયું. જે કેમિકલ ફેક્ટરીઓમાં મફતના ભાવે યુરિયા જતું હતું અને જે લોકો ૫ ના ૨૫ કરતા હતા એ બધાની દુકાનો બંધ થઈ ગઈ તો મોદી એમને ગમે ખરો?
કલોલ ખાતે સભા સંબોધતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રજા લક્ષી કામોની ગણતરી કરાવી હતી. આ સાથે જ તેમણે કલોલની સભામાં ઉપસ્થિત જનમેદની પાસે વચન લેવડાવ્યું હતું કે, મોદીને હરાવશો અને આ વખતે ૧૫૦ પ્લસ બેઠકો પર ભાજપને વિજયી બનાવશો.
મોદીએ કહ્યું કે મારું તો કૂટુંબ એટલે આ સવાસો કરોડ દેશવાસીઓ. આ વખતે ગુજરાતમાં એવી મજબૂત સરકાર બનાવો. આ વખતે તમારે એક કામ કરવાનું છે. તમારે મને હરાવવો જ પડશે. મારે વચન જોઇએ કે તમે મોદીને હરાવશો. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ૧૩૦ પણ પહોંચ્યા નહોતા. આ વખતે તમારે ૧૫૦ના આંકને પાર કરવાનો છે.
મોદીએ કલોલની સભામાં કહ્યું કે, આખા વિશ્વ અને હિન્દુસ્તાનના તમામ રાજ્યો માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય પરંતુ તમારા માટે તો તમારા ઘરનો દીકરો છે. આ લાગણી, આ પ્રેમ ભાગ્યે જ હિન્દુસ્તાન અને ગુજરાતના રાજકારણમાં જોવા મળી હશે કે બે-બે દસકા સુધી ક્યારેય ઓટ નથી આવી. આવ્યા છે તો માત્ર વોટ જ આવ્યા છે. એવું નથી કે તમારી બધી અપેક્ષા મે પૂરી કરી છે, પરંતુ એક એક ગુજરાતીને ખબર છેકે મોદી એની જવાબદારી પૂરી કરવામાં ક્યારેય કચાશ રાખશે નહીં. પાછીપાની કરશે નહીં. બે-ચાર દિવસ વહેલું મોડું થાય, પણ એ કરીને જ રહેશે. આ શ્રદ્ધા દરેક ગુજરાતીએ આશીર્વાદરૂપે પૂરી કરી છે. આજે આખા વિશ્વમાં ભારતનો જયજયકાર થાય છે એનું કારણ શું? કારણ મોદી નથી, તમે લોકો છો. મોદી પાસે જે કાંઇ છે, તે તમે આપેલા સંસ્કાર છે.
મોદી પાસે જે કાંઇ છે તે તમે શીખવેલા પાઠ છે. મોદી પાસે જે કાંઇ છે, તમે આપેલી શક્તિ છે. જેના કારણે દુનિયામાં હિન્દુસ્તાનનું નામ ચમકી રહ્યું છે. કોગ્રેસને મારા પર આટલો ગુસ્સો કેમ છે, કારણ શું? મે ક્યારેય કોંગ્રેસ કાર્યાલયને જઇ તાળું માર્યું છે. ગાડી ઉપાડી લીધી છે, સાઇકલ પડાવી લીધી છે. મારો ગુનો શું? એનું કારણ એ છે, જેમના કૂટુંબના ખાતે ખૂરશી લખાયેલી હતી અને એ ખૂરશી પર ગુજરાતનો એક ચા વાળો, ઉત્તર ગુજરાતનો ચાવાળો, વડનગરનુ ટાબરિયું આવીને બેસી ગયું.
આ ગુજરાત સામે તેમને ગુસ્સો છે, ગુજરાતનું ધનોત પનોત કાઢનારાઓને આપણે સબક શીખવવો જોઇએ. આ કોંગ્રેસની ત્રણ ખાસિયતો છે. તેના વગર તેમને ફાવે જ નહીં. એક અટકાણા, બીજું લટકાણા અને ત્રીજું ભટકાણા. આ કોંગ્રેસનો ગુણધર્મ છે. બે દિવસથી આ કોંગ્રેસના એક મહાન નેતા, સુપ્રીમ કોર્ટના વકીલ. વકીલ તરીકે કોઇનો પણ કેસ લડે. જેને જ્યાંથી કમાવું હોય ત્યાંથી કમાય. કેટલાક લોકો એવા હોય જેને સારા માણસોના કેસ મળતા ન હોય, કોણ ક્યાં વકિલાત કરે એ અમારો મુદ્દો નથી. મે એક સભામાં કહ્યું કે ૧૯મી સદીથી ચાલતા આ કેસને ૨૦મી સદી પૂરી થઇ ગઇ અને ૨૧મી સદીના બે દશકા થવા આવ્યા, એનનો નીવેડો આવવો જોઇએ. એ વાતને પૂરી કરવી જોઇએ. પણ કોંગ્રેસને તો અટકાણા, લટકાણા અને ભટકાણામાં જ રસ છે. તો જ તેમની રોજીરોટી ચાલે.
નરેન્દ્ર મોદીએ સભામાં કહ્યું કે, મને જે માહિતી મળેલી તેના આધારે કહ્યું. તમે ૧૯ પછી કેસ ચલાવો. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે. ૭૦ વર્ષ સુધી એટલા માટે જ લટકતો રહ્યો છે, તમે હંમેશા ચૂંટણીના હિસાબ કિતાબ કરતા રહ્યાં. આ દેશના પ્રશ્નોનું નિરાકરણ કરવું એ તમારી ઇચ્છા નથી. સુપ્રીમમાં આખરી તબક્કે પહોંચ્યો છે, ત્યારે તમે એમ કહો છો કે હમણા નહીં. ૨૦૧૯ની ચૂંટણી થઇ જાય એ પછી. મે પ્રશ્ન પૂછ્યો તો તેમણે જવાબ આપ્યો કે, હું સુન્ની વક્કફ બોર્ડનો વકીલ નથી. ત્યારે હવે એ જણાવો કે તમે રામ મંદિરવાળાના વકીલ છો કે બાબરી મસ્જીદવાળાના વકીલ છો. તમે જણાવો અથવા તમારા નવા નેતાને કહો કે એ બોલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *