અનામત અંગે કોંગ્રેસની ફોર્મ્યુલા હાર્દિકે સ્વીકારી,વિધાનસભામાં અનામત બિલ લાવશે : હાર્દિક પટેલ

કોંગ્રેસની પાટીદાર અનામત ફોર્મ્યુલા મુદ્દે નીતિન પટેલ-હાર્દિક આમને-સામને
ગાંધીનગર, ગુજરાતનાં રાજકારણને છેલ્લાં બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન દ્વારા ધમરોળનાર પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે આજે સવારે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પાટીદારોને અનામત આપવા અંગેની કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારી લઇને તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે. ભાજપ પર ગંભીર આક્ષેપો કરવાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આડકતરું સમર્થન પણ જાહેર કર્યું હતું. હાર્દિક પટેલે એવો પણ દાવો કર્યો હતો કે આગામી અઢી વર્ષ સુધી તે કોઈપણ રાજકીય પક્ષમાં જોડાશે નહીં.
હાર્દિક પટેલે પત્રકાર પરિષદની શરૂઆતમાં જ ટિકિટોની વહેંચણી સહિતના વિવાદ અંગે સેવેલા મૌન સંદર્ભે માફી માગી હતી. તેણે કહ્યું કે, કોંગ્રેસ સાથેની છેલ્લી સાત આઠ બેઠક દરમ્યાન બિનઅનામત વર્ગને ઓબીસી અનામત આપવાની જે કોંગ્રેસની ફોર્મ્યુલા હતી તેની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ બંધારણીય નિષ્ણાતો, પૂર્વ જજો વગેરે સાથે ચર્ચા વિમર્શ કરીને આ ફોર્મ્યુલા પ્રત્યેક વ્યક્તિને શિક્ષણ, રોજગાર સહિતના તમામ ક્ષેત્રે સમાન અધિકાર આપતી હોવાથી સ્વીકારી છે.
બિન અનામત આયોગ માટેના રૂ.૬૦૦ કરોડના ફંડને કોંગ્રેસ રૂ.ર૦૦૦ કરોડ કરશે તેમ જણાવતાં હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, પ૦ ટકાથી વધુ અનામત ન આપી શકાય એવી કોઇ બાબત બંધારણમાં નથી લખાઇ. સુપ્રીમ કોર્ટે આ માટે ફક્ત માર્ગદર્શન આપ્યું છે જે કોઇ કાયદો નથી. કોંગ્રેસ સાથેની પાંચ સાત બેઠક પછી જે ડ્રાફટ તૈયાર થયો છે તેને અમારી પ્રમુખ સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામ સાથેની ચર્ચા બાદ સ્વીકારીએ છીએ.
ભાજપ મોવડી મંડળની અનામત આપવા બાબતની નિયતમાં ખોટ હોવાનો આક્ષેપ કરતાં હાર્દિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો એજન્ટ નથી. કોંગ્રેસે સ્પેશિયલ સર્વે કરાવવાની વાત બંધારણના ૪૬ની કલમ હોઇ ગળે ઊતરે તેવી વાત છે. હું કોંગ્રેસનાં સમર્થન કે પ્રચારની વાત નથી કરતો પરંતુ અમારી લડત અહંકારીઓ સામે છે.
પાસએ કોંગ્રેસ પાસે કોઇ ટિકિટ માગી નથી પરંતુ યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને કોઇ એવી કોઇ પાર્ટી હોય તેમાં રહેવું જોઇએ તેવી ગોળગોળ વાતો કરતાં હાર્દિક પટેલે વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ૭/૧રનો ઉતારો એવું નથી કહેતો કે ગુજરાત ભાજપનું છે. પાસમાં ટિકિટોની વહેંચણી બાબતે કોઇ ડખા નથી. હાર્દિક એવો પણ આક્ષેપ કર્યો હતો કે હું જ્યારે જેલમાં હતો તત્કાલિન સચિવ કે. કૈલાસનાથને મને રૂ. ૧૨૦૦ કરોડની ઓફર કરી હતી.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર આડકતરો પ્રહાર કરતાં તેણે વધુમાં જણાવ્યું કે મારી પાસે સરદાર પટેલ, શિવાજી, ભગતસિંહ અને ગાંધીજીના સંસ્કારો છે હું વેચાતો માલ નથી. સ્વમાન માટે સોદો કરું તે મારો સ્વભાવ નથી. તેણે લોકોને પાકો ગુજરાતી બનવાનું આહ્વાન કરતાં વધુમાં કહ્યું કે, આપણે ચવાણું, પેંડા અને ભજિયાંમાં વેચાવું નથી. આપણે પાકા ગુજરાતી સાબિત કરવું પડશે.
આ તબક્કે તેમણે રાજકોટમાં ર૯મીએ વિશાળ રેલી, ઠક્કરબાપા નગરમાં રોડ શો અને તા.૧ થી ૩ ડિસેમ્બર દરમ્યાન સુરતમાં વિશાળ કાર્યક્રમની પણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આંસુ પાડવાથી કે જુઠ્ઠું બોલવાથી આ વખતે ખોટો વોટ નહીં મળી શકે. અનામતની ફોર્મ્યુલા આ વખતે કોંગ્રેસ મેનિફેસ્ટોમાં મૂકશે તેમજ પાસની નવી કોર કમિટીની આવતી કાલે રચના કરાશે.
હાર્દિકે પાસના કન્વીનરોની સત્તા પર સીધો કાપ મૂકવાનો ઇશારો કરીને એમ પણ જણાવ્યું હતું કે હવે પાસ તરફથી માત્ર તે પોતે જ નિવેદન કરશે. દરમ્યાન બોટાદના બાગી કન્વીનર દિલીપ સાબવાએ પોતાની ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ દરમ્યાન હાર્દિકે એક પ્રશ્નના ઉત્તરમાં એમ પણ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે આવશે ત્યારે તેમને મળવું કે કેમ ? તે વખતે નક્કી કરીશું.
હાર્દિકની પ્રેસ કોન્ફરન્સ બાદાાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસના આદેશ પ્રમાણે બોલે છે. પાસનો મુખ્ય મુદ્દો પાટીદારોને ઓબીસીમાં સમાવવાનો હતો. આમ કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવ્યો છે. હાર્દિક આધ્યાત્મક ગુરૂની જેમ વાત કરી રહ્યો હતો. કોંગ્રેસે આપેલો પત્ર હાર્દિકે પ્રેસકોન્ફરન્સમાં વાંચી હતી. આમ કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગાય છે. મુર્ખાઓએ દરખાસ્ત આપી અને મુખ્યાઓએ દરખાસ્ત સ્વીકારી હોવાનું ડે. ઝ્રસ્ નીતિન પટેલે જણાવ્યું હતું.
હાર્દિક પટેલ ઉપર જાતિવાદની રણનીતિનો આરોપ લગાવતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક રાજનીતિક ફાયદા માટે સમાજમાં અલગ અલગ જાતીઓને અંદરો અંદર લડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. નીતિન પટેલે ગુજરાતના પાટીદાર સમાજને અપીલ કરી છે કે પાટીદાર લોકો હાર્દિક પટેલ અને કોંગ્રેસની લાલચોથી સતર્ક રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પણ જાણે છે કે બંધારણીય રીતે ૫૦ ટકાથી વધારે અનામત આપવું શક્ય નથી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમનો ઓર્ડર છે ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય નહીં કોંગ્રેસ આદેશ આપે તેવી ભાષા હાર્દિક વાપરી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના એજન્ટો ખુલ્લાં પડી ગયાં છે, કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવી ગયો છે. કોંગ્રેસની મદદથી, કોંગ્રેસના પૈસાથી, કોંગ્રેસના માર્ગદર્શન આંદોલન ચાલતું હતું જે હવે ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસના પ્રમુખના ઘરે મારામારી કરી તોડફોડ કરી હતી આ બધું જ કરવા પાછળ કોંગ્રેસનો હાથ હતો હાર્દિકને કોંગ્રેસની બહુ ચાટેલી લોલીપોપ તેમને બહુ ભાવે છે. કોંગ્રેસના પાપનો ભાંડો હવે ફૂટવાનો છે. કોઇપણ સંજોગોમાં કુલ અનામત ૫૦%થી વધી શકશે નહીં એવો સુપ્રીમનો ચૂકાદો છે.
હાર્દિક તો નાદાન છે, પરંતુ કોંગ્રેસના કપિલ સિબ્બલ અને શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ તો કાયદો અને નિયમ જાણે છે. તેમણે પણ પોતાની બુદ્ધિને તાળા મારી દીધાં છે. હાર્દિકને કહેવા માંગુ છું, કે તું વેચાયો, સમાજને વેચવા નીકળીશ નહીં. હાર્દિકે રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે, એમાં જાણે મોટું બલિદાન આપતો હોય એમ કહે છે. ૨૫ વર્ષ સુધી એને ક્યાંય એને રાજકારણમાં હોદ્દો મળી શકે એમ નથી, આથી આ નિર્ણય કર્યો છે. હાર્દિકે જે કર્યું તે આખા સમાજે જોયું છે. પાસને તાળા મારી દો અને કોંગ્રેસમાં જોડાઇ જાઓ. પાસને તાળા તો પાટીદારો જ મારી દેશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *