ભારતની મોટી જીત, ICJમાં જ્જ તરીકે દલવીર ભંડારી બીજી વખત ચૂંટાયા

છેલ્લી ઘડીએ બ્રિટને ઉમેદવાર ખસેડી લીધા, ભારતને મળી સફળતા
સંયુક્ત રાષ્ટ્રસંઘ, સંયુકત રાષ્ટ્રસંઘમાં ભારતનો દબદબો ફરી એક વખત જોવા મળ્યો છે. હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ભારતીય મૂળના જસ્ટિસ દલવીર ભંડારી ફરી વખત જજ તરીકે ચૂંટાયા છે. જજની આ આખરી બેઠક માટે દલવીર ભંડારી અને બ્રિટનના દાવેદાર વચ્ચે મુકાબલો હતો, પરંતુ આખરી ક્ષણોમાં બ્રિટને ભારત સામે નમતું જોખીને પોતાનો ઉમેદવાર ચૂંટણીમાંથી હટાવી લેતાં ભારતની મોટી રાજદ્વારી જીત થઇ છે અને ભંડારી ફરી વખત ઇન્ટરનેશનલ કોર્ટના જજ તરીકે ચૂંટાયા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, ભંડારીની જીતથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની જીત થઈ છે.

સુષ્માએ ટિ્‌વટ કરીને કહ્યું,આ ભારતની જીત છે,૭૦ વર્ષમાં પહેલી વખત આઈસીજેમાંથી બ્રિટન બહાર
ઇન્ટરનેશનલ કોર્ટના જજ તરીકે ચૂંટાયા બાદ જસ્ટિસ દલવીર ભંડારીએ જણાવ્યું હતું કે મને સમર્થન આપનાર તમામ દેશોનો હું આભાર માનું છું. તમે જાણો છો કે આ વખતે સ્પર્ધા કટ્ટર હતી. આખરી ક્ષણોમાં બ્રિટને હટી જવાની જાહેરાત કરતાં સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદને મોટો ફટકો પડયો છે. કારણ કે પરિષદના તમામ મહત્ત્વપૂૂર્ણ મામલાઓમાં કાયમી સભ્યોની મહત્ત્વની ભૂમિકા હોય છે.
દલવીર ભંડારીની જીતના પગલે કાયમી સભ્યો આઘાતમાં સરી પડયા હતા, કારણ કે આ એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે ભવિષ્યમાં તેમની સત્તાને કોણ પડકારી શકે છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન બ્રિટનના ઉમેદવાર ગ્રીનવૂડ ક્રિસ્ટોફરની તરફેણમાં દેખાતા હતા, પરંતુ ન્યૂયોર્ક સ્થિત સંયુકત રાષ્ટ્રસંઘના વડામથક ખાતે યોજાયેલ ચૂંટણીમાં ભારતના ઉમેદવાર દલવીર ભંડારીને સામાન્ય સભામાં ૧૯૩માંથી ૧૮૩ વોટ મળ્યા હતા.
જયારે સુરક્ષા પરિષદના તમામ ૧પ સભ્યોના વોટ મળ્યા હતા. આ અગાઉ નાટકીય ઘટનાક્રમમાં બ્રિટને ચૂંટણી પહેલાં જ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતાં ભંડારીના પુનઃ ચૂંટાવા માટે માર્ગ મોકળો થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ભંડારીની જીત ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે પાકિસ્તાનમાં કેદ કુલભૂષણ જાધવનો મામલો પણ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પડતર છે અને કુલભૂષણના મામલાની સુનાવણી આઇસીજેમાં ચાલી રહી હતી ત્યારે જસ્ટિસ ભંડારીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સંયુકત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને પણ ભંડારીની જીત પર અભિનંદન આપતું ટિ્‌વટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે એક વોટ જે અમર્યાદ ખુશી લાવ્યો છે. ભારત તરફથી જસ્ટિસ દલબીર ભંડારી બીજી વખત જજ તરીકે ચૂંટાયા.
જસ્ટિસ દલવીર ભંડારીએ તેમના કાર્યકાળ દરમિયાન આપેલા ફેંસલાના કારણે જ દેશમાં ગરીબો માટે રેનબસેરા બનાવવા આવ્યા હતા. આ ઉપરાંત હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫, બાળકોને નિઃશુલ્ક શિક્ષણનો અધિકાર, ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકારી રાશન વધારે આપવું જેવા સિમાચિહ્ન રૂપ ચુકાદા પણ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *