આદિવાસીઓનો મહાપર્વ એટલે પિતૃ-પૂર્વજોની યાદમાં ઉજવાય છે ”ખત્રી ચૌદસ”

ભૂપેશ ભીલ, શંકરપુરા,

*આદિવાસી સમાજ અને પૂર્વજોનું મહાત્મય*

આદિવાસી સમાજ તેની પારંપરિક રૂઢિઓ અને પ્રણાલીઓનો વાહક છે કે જેને માન્યું છે કે પ્રકૃતિનો દરેક હિસ્સો તેને બળ પૂરું પાડે છે . આજે મારે વાત કરવી છે દેવદિવાળી ની તરત પહેલા દિવસ ની એટલે કે ચૌદસ અને આદિવાસીઓ ના ખત્રી , પૂર્વજોની કે જેમને સમાજ પોતાના દેવ અને સંરક્ષકો માનીને તેમની આરાધના કરે છે.

આ દિવસે આદિવાસી સમાજ પોતાના કુટુંબ કબીલાઓ, ગામ પરગામ અને જાતિગત સમુદાયો સાથે એક જગ્યાએ ભેગા મળીને પોતાના પૂર્વજોને યાદ કરે છે અને તેમને માન્યતાઓ અનુસાર આ ઘડીએ બોલાવીને સન્માન આપવા માટે જે તે પ્રચલિત વિધિઓ જેવી કે ધરતી,ધાન, આગ,જળ,વાયુ અને નભ ના પ્રાકૃતિક અંગોને અતિ મહત્વ આપી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે તો વળી આ પૂર્વજોથી ભાવિ વરતારો પણ જાણે છે કે અમે શું કરીએ જેનાથી અમારું રક્ષણ થાય અને આપણી ભાવિ પેઢીઓને નુકશાન ના થાય . કહેવાય છે કે આ પૂર્વજો દ્વારા એના સચોટ પ્રત્યુત્તર પણ મળે છે અને આ કબીલાઓ તેને પાળી ને પોતાનો રાહ બનાવે છે .
પૂર્વજોનું પ્રત્યેની આ શ્રદ્ધાને માત્ર આદિવાસી કુળ જ નહીં પણ અન્ય સમાજો પણ તેને અનુસર્યા છે તેવું આ સમાજના કેટલાક વડીલોનું માનવું છે .જેવા કે તર્પણ અને શ્રાદ્ધ તે આ જ પરંપરાનું એક બીજું સ્વરૂપ પણ ગણે છે તો ઈતર આદિવાસી સમાજમાં પાળિયા પૂજાને અહીં ટાંકવાની વાત પણ તેઓ કરે છે . યાદ રહે કે આદિવાસી પ્રકૃતિ પૂજક હોય તો આ પરંપરા અનાદિકાળથી થી ચાલી આવે છે જ્યારે ધર્મોની ઉત્પત્તિ પણ થઈ નહોતી તો આ આદિવાસી પૂર્વજોની શ્રદ્ધાપૂર્વકની પૂજા પરંપરા જ્યારે શરૂ થઈ હશે તે પરાપુર્વની પેઢી દર પેઢીઓની આ હારમાળા આજીવન રહી છે . આ દિવસે આદિવાસી સમાજ પોતાના પૂર્વજોના સન્માન માટે પારંપરિક વાજિંત્રો સાથે ઢોલ નગારા અને રાઈ બુડિયા(સ્ત્રી પુરુષની સમાનતા દર્શાવવાની એક કળા) નું નાચ થકી આમંત્રણ માટે આહવાન કરી ભવ્ય સત્કાર કરવામાં આવે છે અને તેઓને પ્રાર્થના કરવામાં આવે છે કે , અમો તમારા જોરે ચાલીએ છીએ અને રાત મધરાત્રે, તકલીફોમાં વાટે ઘાટે અને જે તે સંજોગોમાં તમો અમારી રખવાળી કરજો . સ્થાપિત પાળિયાઓમાં તેઓની પ્રતિકૃતિમાં જોવાય છે તે મુજબના હથિયારોની પૂજા કરી તેમને ઉત્તરોત્તર પેઢીઓને આપેલા આ શસ્ત્રો ની યાદ પણ દેવડાવાય છે .

એક સમાજજન ના જણાવ્યાનુસાર આદિવાસી સંસ્કૃતિને ભલે શાસ્ત્રીય સ્થાન ના મળ્યું હોય પણ આદિવાસીઓ હંમેશાથી સૂર્ય, ચંદ્ર અને જળ-જમીન અને વાયુની પૂજા કરતા આવ્યા છે તો આજે કરે પણ છે અને તે અવિરત ચાલતી રાખવાનો આ પારંપરિક દિવસ એટલે જ *ખત્રી ચૌદસ* ગણે છે. વધુમાં ઉમેરતાં તેઓએ કહ્યું કે આદિવાસીઓ ખેતી સાથે સંકળાયેલા છે અને બળદથી ખેતી અને બળદ ગાડાઓથી ભાર વહન જ્યારે કરતા ત્યારે તેમને પહાડો ,તળાવો કે નદી નાળાઓમાં પોતાના પૂર્વજ બાબા હડુમાન ની આસ્થાને બળ પૂરું પાડતાં આ પ્રતિકૃતિને ઠેર ઠેર સ્થાપના કરીને ચઢાવ-ઉતાર માં રખવાળી કરવાની માનતાઓ પણ રાખી હશે ને આજે તે આપણા પૂર્વજ રૂપે અકબંધ છે તે સાબિત કર્યું .

આ દિવસે તાજેતરમાં થયેલા સ્વર્ગસ્થ દાદાઓને આજ્ઞાનુસાર પાળિયા રૂપે સ્થાપિત કરીને ભાવિ પેઢીઓને તેમના ઇતિહાસરૂપે યાદ રહે અને તેમને યાદ કરવા માટે સોપણી પણ કરાય છે .

આદિવાસીઓનું આ ખત્રી ચૌદસ પર્વ એટલે આ શક્તિસંચારણ અને ઉર્જા પ્રાપ્તિનો અમૂલ્ય ખજાનો અને શ્રદ્ધાપૂર્વકનો પૂર્વજોનો આદર સત્કારનો સમન્વય છે જ્યાંથી તેમના વંશજોને બળ અને વિવેક પ્રાપ્ત થાય છે તો વંશજોની સમસ્યાઓ બાબતે તેમનું ધ્યાન દોરી તેનો હલ મેળવવા માર્ગદર્શન પણ મેળવાય છે . આ પરંપરાઓનું માનીએ તો આપણે ગમે તેટલા પ્રગતિ કરી લઈએ તો પણ તેનું સ્મરણ વંશજોએ ક્યારેય ભૂલવું જોઈએ નહીં કારણ કે આ શ્રદ્ધાઓને છોડવી તે પૂર્વજોનું અપમાન ગણાય અને તેનાથી તે રૂઠે છે , શાસ્ત્રો કહે છે કે દેવ રૂઠે તો મનાવવા પડે તો આદિવાસીઓના આ પૂર્વજો પણ આપણા દેવ છે. માન્યતાઓ છોડવી ન જોઈએ અને શ્રદ્ધાઓ વધારી પેઢીઓને સુખ આપવા માટે આપણી ખત્રી ચૌદસ ને અનેરું મહત્વ ભૂલી ના જઈએ …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *