ભાજપના વરિષ્ઠ નેતાઓ બાદ આરબીઆઈ બેંકનો ચોંકાવનારો સર્વે, અર્થવ્યવસ્થાને લઈને લોકોમાં નિરાશા વધી,નોકરીઓ ચિંતાનું કારણ

કન્ઝયુમર કોન્ફીડન્સ, ગ્રોથ અને બીઝનેસ સેન્ટીમેન્ટમાં ઘટાડો,મેન્યુફેકચરીંગ ક્ષેત્રના વેપારીઓ નિરાશ થઇ રહ્યા છે, વિકાસ દર નીચે જઇ રહ્યો છે
ન્યુ દિલ્હી,તાજેતરમાં દેશના અર્થતંત્ર અંગે પુર્વ નાણામંત્રી યશવંત સિંહાએ ચિંતા વ્યકત કર્યા બાદ હવે રિઝર્વ બેંકે બિહામણું ચિત્ર રજુ કર્યુ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા અનેક પ્રકારના સર્વેમાં બહાર આવ્યુ છે કે, ખરીદારીને લઇને લોકોનું મનોબળ નીચે જઇ રહ્યુ છે, મેન્યુફેકચરીંગ સેકટરના ઉદ્યોગોમાં નિરાશાનું મોજુ છે, ફુગાવો વધી રહ્યો છે અને વિકાસનો દર નીચે જઇ રહ્યો છે. રિઝર્વ બેંકના આ સર્વેના તારણો તેણે ૪થી ઓકટોબરે રજુ કરેલી આર્થિક નીતિ સમીક્ષા રિપોર્ટ સાથે મેળ ખાય છે. રિઝર્વ બેંક આર્થિક નીતિના સમીક્ષા રિપોર્ટમાં વર્ષ-ર૦૧૭-૧૮માં અનુમાનીત વિકાસ દર ૭.૩ ટકાથી ઘટાડી ૬.૭ ટકા કર્યો હતો.
રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર કવાર્ટરથી સામાન્ય ઉપભોકતાઓમાં આમ આર્થિક પરિસ્થિતિને લઇને નિરાશા પ્રવર્તી રહી છે. ૪થી ઓકટોબરે રિઝર્વ બેંકે જારી કરેલ કન્યુમર કોન્ફીડન્સ સર્વેમાં જણાવ્યુ હતુ કે, સપ્ટેમ્બર-ર૦૧૭ સુધી સામાન્ય આર્થિક સ્થિતિ અંગે ૩૪.૬ ટકા લોકોએ કહ્યુ હતુ કે, સ્થિતિ સુધરી છે જયારે સપ્ટેમ્બર-ર૦૧૬ સુધી આવુ માનનારાની સંખ્યા ૪૪.૬ ટકા હતી. સર્વે અનુસાર સપ્ટેમ્બર-ર૦૧૭ સુધી ૪૦.૭ ટકા લોકોએ કહ્યુ હતુ કે, આર્થિક સ્થિતિ બગડી છે. જયારે સપ્ટેમ્બર ર૦૧૬ સુધી રપ.૩ ટકા લોકો આવુ માનતા હતા. સર્વે અનુસાર આવતા એક વર્ષમાં આર્થિક સ્થિતિ સુધરશે એવુ માનનારાની સંખ્યા ઘટી છે. સર્વે અનુસાર પ૦.૮ ટકા લોકોએ કહ્યુ હતુ કે, આવતા એક વર્ષમાં આર્થિક સ્થિતિ સુધરશે. જયારે ડિસેમ્બરમાં ૬૬.૩ ટકા લોકોને લાગતુ હતુ. આવતા એક વર્ષમાં સ્થિતિ સુધરી જશે.
કન્ઝયુમર કોન્ફીડન્સ સર્વે દેશના છ મુખ્ય નગરો બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકતા, મુંબઇ અને નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ પ૧૦૦ લોકો પાસેથી સુચનો અને આર્થિક સ્થિતિ, રોજગારી, મોંઘવારી, વ્યકિતગત આવક અને ખર્ચ અંગેના સવાલો પુછવામાં આવ્યા હતા. ધ કરન્ટ સીચુએશન ઇન્ડેકસ એક સબ ઇન્ડેકસ છે જે રિઝર્વ બેંકના કન્ઝયુમર કોન્ફીડન્સ સર્વેનો હિસ્સો હોય છે આનાથી ગ્રાહકોની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગેની વિગતો મળતી હોય છે. આ જ પ્રકારે આવતા છ મહિનાની પરિસ્થિતિને લઇને ગ્રાહકોની ઉમ્મીદ અને આકાંક્ષાને ફયુચર એકસ્પેકટેશન ઇન્ડેકસ સબ ઇન્ડેકસથી આંકવામાં આવે છે. જે લોકોને સવાલ પુછવામાં આવ્યા હતા તેઓને માટે રોજગારી સૌથી ચિંતાનો વિષય હતી. રોજગારી ક્ષેત્રે નિરાશાનું વાતાવરણ હતુ. રિઝર્વ બેંકના સર્વે અનુસાર ૪૩.૭ લોકોએ કહ્યુ હતુ કે, હાલની રોજગાર અંગેની સ્થિતિ અત્યંત ખરાબ સમયમાં પસાર થઇ રહી છે. આ સ્થિતિ નવેમ્બર ર૦૧૬માં ૩૧.૪ ટકા હતી તેના કરતા વધુ છે. સર્વે અનુસાર તાજેતરમાં મોંઘવારીએ પણ મોઢુ ફાડયુ છે. લોકોની આવકનું લેવલ પણ સપ્ટેમ્બર-ર૦૧૭માં ઘટીને ર૬.૬ ટકા થયુ છે જે નવેમ્બર-ર૦૧૬માં ૩૭.૩ ટકા હતુ. જે દર્શાવે છે કે સેન્ટીમેન્ટ નિરાશાજનક છે. ૮૦ ટકા લોકો માને છે કે છેલ્લા એક વર્ષમાં ખર્ચનું પ્રમાણ વધી ગયુ છે જે ફુગાવાને કારણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *