ગુજરાત કોંગ્રેસ માળખામાં ફેરફારઃ પાંચ ચૂંટણીલક્ષી સમિતિ-ઢંઢેરા સમિતિની રચના

રાજયસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ પક્ષમાં એક નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે, તે આગામી દિવસોના ચૂંટણીલક્ષી ભરચક કાર્યક્રમો અને ચૂંટણીને ધ્યાનમાં રાખી લેવાઇ રહેલા મહત્વના નિર્ણયો પરથી સ્પષ્ટ થાય છે. જેના ભાગરૂપે જ ગુજરાત કોંગ્રેસના માળખા-સંગઠનમાં બહુ મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા હતા. આ જમ્બો ફેરફારો સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ તેજ અને વેગવંતો બન્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પાંચ ચૂંટણીલક્ષી સમિતિ અને ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરવામાં આવી છે, તો સાથે સાથે રાજયમાં ૧૩ શહેર-જિલ્લા પ્રમુખો, ૧૦ ઉપાધ્યક્ષ, ૧૪ મહામંત્રી અને સાત પ્રવકતાની નિમણૂંક કરી દેવામાં આવી છે. બીજીબાજુ, ગુજરાત કોંગ્રેસે આજે ફરી એકવાર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોઇપણ ભોગે ૧૨૫ બેઠકો જીતવાના લક્ષ્યાંકનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો.

૧૩ શહેર-જિલ્લા પ્રમુખો, ૧૦ ઉપાધ્યક્ષ, ૧૪ મહામંત્રી, સાત પ્રવકતા નિમાયા : ૧૨૫ બેઠકો જીતવા માટે લક્ષ્યાંક
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના સંગઠન-માળખાના ફેરફાર અને તેની નવી નિમણૂંકોને મંજૂરી આપતાં તેની સત્તાવાર જાહેરાત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની વ્યૂહરચનાના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના સંગઠન-માળખામાં બહુ મહત્વના અને ધરખમ ફેરફારો કરાયા છે. આ સાથે કોંગ્રેસે નવા ૧૨૦ સૈનિકોની ફૌજ તેના બળમાં ઉમેરી દીધી છે. વધુમાં, જૂના ૮૫થી વધુનું સંગઠન માળખું તો યથાવત્‌ રહેશે જ. જો કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, પાંચ ચૂંટણીલક્ષી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષપદે પક્ષના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીના વડપણ હેઠળ ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અન્ય બે સભ્યોમાં દિપક બાબરીયા અને ગૌરવ પંડયાનો સમાવેશ કરાયો છે.
આ જ પ્રકારે ચૂંટણી પ્રચાર અને મટીરીયલ કમીટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે ડો.વિજય દવેની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી મીડિયા સમિતિના ચેરમેનપદે પક્ષના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલને મૂકાયા છે અને તેમની સાથે કન્વીનર તરીકે હિમાંશુ વ્યાસને રખાયા છે.
જયારે શહેરી વિસ્તારો માટે ચૂંટણી કો-ઓર્ડિનેશન કમીટીના ચેરમેન તરીકે નરેશ રાવલની નિયુકિત કરવામાં આવી છે. આ સિવાય રાજયમાં ૧૩ શહેર-જિલ્લા પ્રમુખો, ૧૦ ઉપાધ્યક્ષ, ૧૪ મહામંત્રી, ૬૩ મંત્રી, સાત પ્રવકતાની મહત્વની નિમણૂંકો કરી દેવામાં આવી છે. તો, ચાર સભ્યોની એકઝીકયુટીવ કમીટી અને ૯ ખાસ આમંત્રિત સભ્યોની નિયુકિત પણ કરવામાં આવી છે. આ તમામ નિમણૂંકો અને પ્રદેશ માળખામાં ફેરફાર સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા નાના કાર્યકરથી માંડી ટોચના નેતાઓ સૌકોઇને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ હિસાબે ૧૨૫ બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવામાં લાગી જવા હાકલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *