રાજ્યમાં બાપુ ઈફેક્ટ- ગુજરાત કોગ્રેસમાં ભંગાણ, ત્રણ ધારાસભ્યોે આપ્યા રાજીનામા

રાજયસભા ચૂંટણી પહેલાં ધારાસભ્યબળવંતસિંહ, તેજશ્રીબેન, પીઆઇ પટેલના એકસામટા રાજીનામાને પગલે કોંગીમાં જોરદાર રાજકીય ભૂકંપ

શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસમાંથી છેડો ફાડયો બાદ હવે તેના પ્રત્યાઘાતો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં આજે શંકરસિંહ વાઘેલાના વેવાઇ એવા ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલ અને વિજાપુરના ધારાસભ્ય પી.આઇ.પટેલે અચાનક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસપક્ષમાં જોરદાર ભંગાણને પગલે કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી માંડી દિલ્હી મોવડીમંડળની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. બીજીબાજુ, ગુજરાત કોંગ્રેસમાં હજુ વધુ ભંગાણની શકયતાઓ પણ પ્રવર્તી રહી છે, જેના પરિણામો આગામી દિવસોમાં જોવા મળશે. છેલ્લા બે દિવસથી કોંગ્રેસના સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત છેલ્લા બે દિવસથી શોધ્યે જડતા ન હતા અને આજે અચાનક તેમણે તેજશ્રીબહેન પટેલ સાથે પોતાનું ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબહેન પટેલે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને તેમનું રાજીનામું સોંપ્યા બાદ વિજાપુરના ધારાસભ્ય પી.આઇ.પટેલે પણ રાજીનામુ ધરી દેતાં કોંગ્રેસપક્ષમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે કારણ કે, રાજયસભાની બેઠક માટે કોંગ્રેસના દિગ્ગજ એહમદ પટેલે પોતાનું ઉમેદવારીફોર્મ ભર્યું છે અને હવે કોંગ્રેસના એક એક મત તુટે અને ખાસ કરીને બાપુના સમર્થક ધારાસભ્યો જો છેલ્લી ઘડીયે ક્રોસ વોટીંગ કરે તો કોંગ્રેસ માટે તો જોયા જેવી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે, ગુજરાત કોંગ્રેસમાં પડેલા આ મોટા ભંગાણને પગલે કોંગ્રેસની ઇજ્જત દાવ પર લાગી છે. બીજીબાજુ, બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબહેન પટેલ અને પીઆઇ પટેલના રાજીનામાને પગલે કોંગ્રેસમાં તો જાણે બહુ મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાયેલો જોવા મળતો હતો. એકસાથે ત્રણ ધારાસભ્યોના રાજીનામાને કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દોડતા થઇ ગયા હતા કારણે દસ દિવસ બાદરાજયસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી છે અને પક્ષની શાખ દાવ પર લાગી છે ત્યારે ઉપરોકત ઘટનાક્રમને પગલે દિલ્હી હાઇકમાન્ડથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓને પૃચ્છા કરી પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો. ગુજરાત કોંગ્રેસથી લઇ દિલ્હી હાઇકમાન્ડ સુધીના નેતાઓ આજના ઘટનાક્રમને પગલે એક તબક્કે ટેન્શનમાં આવી ગયા હતા કારણ કે, હજુ પણ કોંગ્રેસમાં ૧૫થી વધુ બળવાખોર ધારાસભ્યો છે કે જેઓ પક્ષની નીતિરીતિથી નારાજ છે અને ગમે ત્યારે બગાવતનું રણશિંગુ ફુંકી શકે તેમ છે, તેથી પક્ષના ડેમેજ કંટ્રોલ માટે દિલ્હી હાઇકમાન્ડે પણ જરૂરી સૂચના અને નિર્દેશો સ્થાનિક નેતાઓને આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *